પરેશ ગોસ્વામીની આગાહીઃ બંગાળની ખાડીની સિસ્ટમ નબળી પડી લો-પ્રેશરમાં ફેરવાઈ, 4 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડી લો-પ્રેશરમાં ફેરવાઈ છે. ગુજરાતમાં 2 અને 3 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે, જ્યારે 4 અને 5 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 02 Aug 2026 12:00 AM (IST)Updated: Sun, 02 Aug 2026 12:00 AM (IST)
paresh-goswami-on-gujarat-rain-foreacast-system-weakens-into-low-pressure-heavy-rainfall-likely-for-next-2-days

Paresh Goswami Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે ગઈકાલે ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તો એકધારા પડેલા ધોધમાર વરસાદના પરિણામે જળતાંડવની સ્થિતિ સર્જાઈ હતી. જો કે આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું જોર ઘટી ગયું છે.આમ છતાં ખતરો હજુ ટળ્યો નથી.

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

આ અંગે વિગતો આપતાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન હવે ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. ગઈકાલથી નબળી પડેલી આ સિસ્ટમ આજે વહેલી સવારે વેલમાર્ક લો પ્રેશર અને હવે લો-પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે.

અત્યારે આ સિસ્ટમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતની સરહદો ઉપર ખાસ કરીને અરવલ્લી અને ઉદેપુરના દક્ષિણના ભાગો પર સ્થિર થઈ છે. જેના પરિણામે 2 અને 3 ઓગસ્ટ એમ બે દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદનો માહોલ જોવા મળશે.

આ બે દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાગદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદ પડ્યો છે. આગામી 2 દિવસ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ફૂંકાતા ગરમ દરિયાઈ પવનોના કારણે આ વરસાદી સિસ્ટમ જોઈએ તેટલી અસર કરી શકતી નથી. આથી વરસાદની ઘટ અનુભવતા પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદરમાં મોટા વરસાદી સ્પેલની કોઈ શક્યતા નથી. આમ છતાં 2 ઓગસ્ટના રોજ આ ભાગોમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. જે બાદ 4 અને 5 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે અને વાતાવરણ ખુલ્લુ થવાની શક્યતા છે.

આજે રાજ્યના 247 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ સાડા 8 ઈંચ ખાબક્યો

આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં ગુજરાતના 247 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 220 મિ.મી (8.6 ઈંચ) વરસાદ મોરબી તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય મોરબીના ટંકારામાં 186 મિ.મી (7.3 ઈંચ), સુરેન્દ્નનગરના ધાંગધ્રામાં 176 મિ.મી (6.9 ઈંચ), મોરબીના હળવદમાં 163 મિ.મી (6.4 ઈંચ), સુરેન્દ્રનગરના વઢવાણમાં 157 મિ.મી (6.1 ઈંચ),મોરબીના માળિયામાં 121 મિ.મી (4.7 ઈંચ), સુરેન્દ્રનગરના લખતરમાં 114 મિ.મી (4.4 ઈંચ) તેમજ મોરબીના વાંકાનેરમાં 110 મિ.મી (4.3 ઈંચ) વરસાદ વરસ્યો છે.