ગુજરાતમાં ઠંડીની જમાવટ શરૂ: 10 ડિસેમ્બર પછી ઝાકળ વર્ષાનો મોટો રાઉન્ડ આવવાની આગાહી

ઝાકળ વર્ષાનો આ રાઉન્ડ સાર્વત્રિક રીતે સમગ્ર રાજ્યમાં નહીં હોય, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર તેની અસર થોડીક વધારે જોવા મળી શકે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 06 Dec 2025 02:30 PM (IST)Updated: Sat 06 Dec 2025 02:30 PM (IST)
paresh-goswamis-forecast-a-big-round-of-drizzle-is-expected-after-december-10-650617

Paresh Goswami Forecast: ગુજરાતમાં આખરે ઠંડીની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે અને રાજ્યભરનું તાપમાન હવે નોર્મલ નજીક આવી ગયું છે. દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે ગાયબ થયેલી ઠંડી ફરીથી પાછી આવી છે, કારણ કે ઉત્તર-પૂર્વના પવનો ફરીથી સેટ થઈ ગયા છે.

પવનની ઝડપમાં 5 દિવસ અસમંજસતા

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી પાંચ દિવસ (આજની 6 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી) હવામાનની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે, ઉત્તર-પૂર્વના પવનો સેટ થઈ ગયા હોવા છતાં, આગામી પાંચ દિવસ સુધી પવનની ઝડપમાં સતત ફેરફાર (અસમંજસતા) જોવા મળશે. એક દિવસ પવનની ગતિ 11 થી 12 કિમી પ્રતિ કલાકની હોય તો બીજા દિવસે તે 15 થી 17 કિમી/કલાક થઈ શકે છે, જ્યારે વચમાં કોઈક દિવસ 20 કિમી/કલાકની ઝડપ પણ પકડી શકે છે. પાંચ દિવસમાંથી કદાચ બે થી ત્રણ દિવસ પવન વધારે ઝડપથી ફૂંકાશે અને બાકીના દિવસો નોર્મલ પવન રહેશે. આ પ્રકારની પવનની અસ્થિરતા વચ્ચે પણ લઘુત્તમ તાપમાન (Minimum Temperature) ઘટીને 12 થી 14 ડિગ્રી સુધી આવી ગયું છે, જે રાત્રે ઠંડીનો અહેસાસ કરાવે છે.

10 ડિસેમ્બર પછી ઝાકળ વર્ષાનો મોટો રાઉન્ડ

પરેશ ગોસ્વામીએ ઝાકળ વર્ષા અંગે મહત્ત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, ચાલુ શિયાળામાં અત્યાર સુધી માત્ર એક જ ક્ષીમિત વિસ્તારમાં ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવ્યો છે, પરંતુ 10 કે 11 ડિસેમ્બર પછી ફરીથી એક મોટો ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવી શકે છે, જે ત્રણ થી ચાર દિવસ સુધી ચાલશે. ઝાકળ વર્ષાનો આ રાઉન્ડ સાર્વત્રિક રીતે સમગ્ર રાજ્યમાં નહીં હોય, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર તેની અસર થોડીક વધારે જોવા મળી શકે છે. ઝાકળ વર્ષાને કારણે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે અને વિઝિબિલિટી (દ્રશ્યતા) ડાઉન થઈ શકે છે. ગોસ્વામીએ અંતમાં જણાવ્યું કે, ઓલ ઓવર જોવા જઈએ તો ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં આ ઠંડીમાં વધારો થશે, જ્યારે પવનની ઝડપમાં થોડીક અસમંજસતા રહેશે.