Surat Nasirnagar Demolition, Gujarat High Court: સુરતના નાસીરનગરમાં 30 મેના રોજ થયેલા વિવાદિત ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના 150થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દેવાતા 26 પીડિત પરિવારોએ ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ મામલાને અત્યંત ગંભીર ગણાવી હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર અને SOGના DCP રાજદિપસિંહ નકુમને જવાબદાર ઠેરવ્યા છે.
ખાનગી બિલ્ડરના ઈશારે ડિમોલિશનનો આરોપ
અરજદારોના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, 30 મેના રોજ કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના, કાનૂની નોટિસ કે પંચનામા વગર જ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે આ સમગ્ર કાર્યવાહી એક ખાનગી બિલ્ડર અને શ્રી રામ એજન્સીના ઈશારે, એક આર્કિટેક્ટની હાજરીમાં કરવામાં આવી હતી.
સમગ્ર ડિમોલિશન કાર્યવાહી પહેલા આ વિસ્તારના લોકોને પોતાનો સામાન બહાર કાઢવાનો પણ સમય નહોતો આપ્યો તેવા પણ આક્ષેપ છે. જેના કારણે નિર્દોષ બાળકોના પુસ્તકો અને ઘરવખરી કાટમાળમાં દબાઈને નાશ પામી હતી. આ વિસ્તાર 1969થી વસેલો છે અને લોકો અહીં પેઢીઓથી રહે છે.
ગુજરાત હાઈકોર્ટના તંત્રને વેધક સવાલ
આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તંત્રની કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કરતા અનેક વેધક સવાલ પૂછ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ પૂછ્યું કે,
- જો SMCએ ડિમોલિશન નથી કર્યું, તો ઘટનાસ્થળે મહાનગરપાલિકાના 7 અધિકારીઓ અને કર્મચારીઓ શું કરતા હતા?
- શું મનપાના અધિકારી-કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે?
- સુરત પોલીસ કમિશનરને જ્યારે ફરિયાદ આપવામાં આવી, તો તેમણે ફરિયાદ કેમ ન લીધી?
- ડિમોલિશન સ્થળે ચોકબજાર પોલીસ અને SOGના 20થી 25 જવાનો શા માટે તૈનાત હતા?
- ડિમોલિશન સ્થળે કયા કયા પોલીસ અધિકારીઓ હાજર હતા?
- ટોરેન્ટ પાવરે કોના આદેશથી ડિમોલિશન પહેલાં લોકોના વીજ કનેક્શન કાપી નાખ્યા?
પાલિકા-પોલીસની ઉદાસીનતા ખુલ્લી પડી
હાઈકોર્ટે પીડિતોને કોર્ટમાં આવવામાં થયેલા વિલંબ અંગે સવાલ કર્યો, ત્યારે અરજદારોએ તંત્રની ઉદાસીનતાની પોલ ખોલી હતી. શરૂઆતમાં સુરત મહાનગરપાલિકાએ કાર્યવાહીમાંથી હાથ અધ્ધર કરી લીધા અને પોલીસે પણ ગુનો નોંધવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ છે. 1 જૂને મ્યુનિ. કમિશનરે સત્તાવાર આદેશ ન આપ્યાનો દાવો કર્યો, પરંતુ 21 જૂને તેમણે સ્વીકાર્યું હતું કે કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાં હાજર હતા.
SOG DCP ને કોર્ટમાં હાજર રહેવા આદેશ
ગુજરાત હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ સ્પષ્ટ ખુલાસો કરે કે ડિમોલિશન પાલિકાએ કર્યું છે કે કોઈ અન્ય તત્વોએ. આ ઉપરાંત, જો SOG DCP રાજદિપસિંહ નકુમ ઘટનાસ્થળે અનઓફિશિયલ (બિનસત્તાવાર) રીતે હાજર રહ્યા હોય તો તેમણે આગામી મુદતે કોર્ટમાં રૂબરૂ હાજર થવું પડશે તેવી ટકોર પણ કરાઈ છે.
આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના એક પણ મકાન તોડી શકાય નહીં. અને જો નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો તંત્રના જવાબદાર અધિકારીઓએ જવાબ આપવો જ પડશે. આ કેસની વધુ સુનાવણી આગામી સોમવારે હાથ ધરાશે.
