Surat News: સુરતમાં અનેકવિધ રાષ્ટ્રીય અને આતંરાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યાં છે. સુરતના સેન્ટ્રલ રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કક્ષાનું બનાવવામાં આવી રહ્યું છે. તેમજ મલટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રેલવે, બસ, બીઆરટીએસ, મેટ્રો રલેવે અને સુરતની સિટી બસ સર્વિસ સહિતની તમામ ટ્રાન્સપોર્ટ સર્વિસ એકજ સ્થળેથી મળી રહેશે. શહેરમાં GSRTC ટર્મિનલ(એસટી બસ ટર્મિનલ)નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આધુનિક સુવિધાઓ હશે. આ ટર્મિનલમાં બે માળ તૈયાર થઇ ગયા છે. જેનો ડ્રોન નજારો સામે આવ્યો છે.
GSRTC બસ ટર્મિનલ પર કોમર્શિયલ બિલ્ડિંગ પણ ઉભું કરાશે
GSRTC બસ ટર્મિનલના બે માળના બાંધકામની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જે 33,188 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં નિર્મિત છે. આ બિલ્ડિંગ પર ભવિષ્યમાં 25 માળનું કોમર્શિયલ બિલ્ડિંગ પણ ઉભું કરાશે. મુસાફરોની સુવિધા માટે 44 બોર્ડિંગ પોઇન્ટ્સ, એક્સેલેટર અને વિશાળ પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત, CCTV અને મેટલ ડિટેક્ટર સહિતના તમામ સુરક્ષા સાધનોથી આ બિલ્ડિંગને સજ્જ કરવામાં આવ્યું છે.
મુસાફરોને સીમલેસ કનેક્ટિવિટી પ્રાપ્ત થશે
મુસાફરોને રેલવે, GSRTC બસ, મેટ્રો રેલ, BRTS અને સુરત સિટી બસ સેવા જેવી તમામ પરિવહન સુવિધાઓ એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી MMTH (મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ) પ્રોજેક્ટ પર કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા બુલેટ ટ્રેન અને એરપોર્ટને પણ જોડવામાં આવશે, જેથી મુસાફરોને સીમલેસ કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સંપૂર્ણ કામગીરી વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે.
MMTH પ્રોજેક્ટના ફેઝ-1નું 50 ટકા કામ પૂર્ણ
MMTH પ્રોજેક્ટના ફેઝ-1નું 50 ટકા અને ફેઝ-2નું અંદાજે 15 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. સુરત રેલવે સ્ટેશનની સાથે GSRTC ટર્મિનલ ઉપર નિર્માણાધીન 25 માળના કોમર્શિયલ બિલ્ડિંગના પાયાનું કામ સંપૂર્ણ થઈ ગયું છે. GSRTC બસ ટર્મિનલના તૈયાર થયેલા 2 માળના આકર્ષક ડ્રોન દૃશ્યો પણ જાહેર કરવામાં આવ્યા છે. આ બંને પ્રોજેક્ટ સુરતને 'વન-કનેક્ટ' સિટી બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

સ્કાયવોક્સ જેવી અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ બનશે
આ પ્રોજેક્ટ દેશમાં પ્રથમવાર રેલવે ઓથોરિટી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના GSRTCના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ સીધા જોડવામાં આવી રહ્યા છે. મુસાફરોને BRTS-સિટી બસ ટર્મિનલ, પૂરતો પાર્કિંગ ઝોન, મનોરંજન વિસ્તાર, કોમર્શિયલ બિલ્ડિંગ્સ, એલિવેટેડ કોરિડોર અને સ્કાયવોક્સ જેવી અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આનાથી કોઈપણ મુસાફર એક પરિવહન માધ્યમથી આવીને સ્ટેશનની બહાર નીકળ્યા વિના સરળતાથી અન્ય પરિવહન સુવિધા પ્રાપ્ત કરી શકશે.
આધુનિક ડિઝાઈન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુખ્ય વિશેષતાઓ
- ઈસ્ટ સ્ટેશન બિલ્ડિંગ: 62,129 ચો.મી. જગ્યામાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને મલ્ટી-લેવલ પાર્કિંગ.
- વેસ્ટ સ્ટેશન બિલ્ડિંગ: 26,297 ચો.મી. જગ્યામાં નિર્માણ, જે એલિવેટેડ રોડથી સીધો સ્ટેશનમાં પ્રવેશ આપશે.
- વિશાળ કોન્કોર્સ હોલ: 12,325 ચો.મી. જગ્યામાં નિર્મિત, જેમાં એકસાથે 3,500 મુસાફરોને બેસવાની વ્યવસ્થા.
- GSRTCનું ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ: 33,188 ચો.મી. જગ્યામાં, 44 બોર્ડિંગ પોઈન્ટ્સ, 18 અલાઈટિંગ પોઈન્ટ્સ અને બસોના પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા.
- એલિવેટેડ રોડ અને ઓવરબ્રિજ: 5 કિમી લાંબો એલિવેટેડ રોડ અને બે ઓવરબ્રિજ, જે મેટ્રો અને BRTS સ્ટેશન સાથે સીધું જોડાણ પૂરું પાડશે.
MMTH પ્રોજેક્ટ: આર્થિક અને વ્યાપારી પાસાં
- પ્રોજેક્ટ 90 વર્ષની લીઝ પર ખાનગી ડેવલપરને સોંપવામાં આવ્યો છે.
- બાંધકામ, સંચાલન અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી ડેવલપરની રહેશે.
- પ્રોજેક્ટ માટે ₹248 કરોડની અનામત કિંમત (રિઝર્વ પ્રાઈઝ) નિર્ધારિત કરાઈ હતી.
- ડેવલપર આ પ્રોજેક્ટમાંથી થનારી કુલ આવકનો 20 ટકા હિસ્સો SITCO (સુરત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ) ને ચૂકવશે.
- અહીં 9,568 ચો.મી.ના વિશાળ ફ્લોર પ્લેટ એરિયા ધરાવતા 25 માળના ટાવરનું નિર્માણ થશે, જેમાં હાઈટેક ઓફિસો, હાઈ-એન્ડ મોલ અને લક્ઝરી શોરૂમ સહિતની આધુનિક વ્યાપારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
