તથ્ય પટેલ અકસ્માત કેસ: 'હું પાછળના ટાયરમાં ન ફસાયો હોત તો વધુ લોકો મર્યા હોત' - ઇજાગ્રસ્ત સાક્ષીની કોર્ટમાં જુબાની

મિઝાન ભાડભૂજાએ વધુમાં જણાવ્યું કે, અકસ્માત બાદ જેગુઆર ગાડીમાંથી ત્રણ-ચાર લોકો ઉતર્યા હતા. ત્યારે તેને જાણ થઈ કે ગાડી તથ્ય પટેલ ચલાવતો હતો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 10 Dec 2025 09:42 AM (IST)Updated: Wed 10 Dec 2025 09:42 AM (IST)
tathya-patel-accident-case-injured-witness-mizan-irfan-bhadbhuja-testifies-in-court-652752

Tathya Patel Accident Case: એસજી હાઈવે પર ઇસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે આજે વધુ એક મહત્ત્વના સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સાક્ષી મિઝાન ઇરફાન ભાડભૂજાએ કોર્ટ સમક્ષ હાજર રહીને ઘટનાની ભયાનકતા વર્ણવી હતી અને પોલીસ કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

ઓવરસ્પીડ ગાડી મારા પર ફરી વળી: સાક્ષી

મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદી સમક્ષ જુબાની આપતા મિઝાન ભાડભૂજાએ જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે રાત્રે જ્યારે થાર ગાડીના અકસ્માત બાદ તે મિત્રો સાથે જોવા માટે પહોંચ્યા હતા. ત્યારે રાત્રે 12 વાગ્યાની આસપાસ એક સફેદ કલરની જેગુઆર કાર પુરઝડપે ધસી આવી હતી અને તેણે લોકોને કચડી નાંખ્યા હતા.

સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું, "તથ્યની ગાડી એટલી ઓવર સ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ લોકો મૃત હાલતમાં પડ્યા હતા. ગાડી મારા પર પણ ફરી વળી હતી. હું આગળના ટાયર પર કચડાયા બાદ પાછળના ટાયરમાં ફસાઇ ગયો હતો. જો હું પાછળના ટાયરે ન ફસાયો હોત તો હજુ વધુ લોકોના મોત થઇ ગયા હોત."

4 સર્જરી છતાં તકલીફ

મિઝાન ભાડભૂજાએ વધુમાં જણાવ્યું કે, અકસ્માત બાદ જેગુઆર ગાડીમાંથી ત્રણ-ચાર લોકો ઉતર્યા હતા. ત્યારે તેને જાણ થઈ કે ગાડી તથ્ય પટેલ ચલાવતો હતો. ઇજાના કારણે તેને સોલા સિવિલ અને પછી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેના ડાબા પગમાં ત્રણ અને જમણા પગમાં એક મળીને કુલ ચાર સર્જરી કરવામાં આવી હતી. હાલ પણ તેને બેસવા-ઉઠવામાં તકલીફ પડી રહી છે. કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ માધ્યમથી હાજર તથ્ય પટેલને સાક્ષી મિઝાને સ્પષ્ટપણે ઓળખી બતાવ્યો હતો. તેણે કહ્યું કે, "માથે ટોપી પહેરી છે અને બ્લૂ શર્ટ વાળો તથ્ય પટેલ છે."

પોલીસની કાર્યવાહી પર સવાલો

જુબાની દરમિયાન પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉભા થયા હતા. સાક્ષીએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે તથ્યને લોકોએ પકડી લીધો હતો અને તેણે કહ્યું હતું કે 'મારા પિતા આવે છે.' સાક્ષીએ એમ પણ જણાવ્યું કે, 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાના અડધો કલાક બાદ આવી હતી. સાક્ષીએ એવો પણ મુદ્દો ઉઠાવ્યો કે, પોલીસે તથ્યને પકડ્યો હોવા છતાં કેવી રીતે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેને હોસ્પિટલ લઈ જઈ શક્યા? આ મુદ્દાઓ આગામી સુનાવણી દરમિયાન ચર્ચાનો વિષય બનશે. હવે આગામી દિવસોમાં આ કેસમાં વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.