ગુજરાતમાં ચૈત્રમાં અષાઢી માહોલઃ 42 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, શહેરામાં દીવાલ ધરાશાયી થતાં કાટમાળ હેઠળ દબાયેલા દાદી-પૌત્રના મોત

ગાંધીનગરના માણસામાં 41 મિ.મી, અરવલ્લીના બાયડમાં 35 મિ.મી., મહેસાણાના વિજાપુરમાં 27 મિ.મી વરસાદ વરસ્યો. માવઠાના મારથી જગતનો તાત ચિંતિત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Apr 2026 12:47 AM (IST)Updated: Wed, 08 Apr 2026 12:47 AM (IST)
unseasonal-rain-in-gujarat-42-talukas-hit-by-storms-grandmother-grandson-killed-in-wall-collapse
HIGHLIGHTS
  • આજે રાજ્યના 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
  • અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો

Unseasonal Rain In Gujarat: ગુજરાત ઉપર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ભરઉનાળે ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે પણ રાજ્યના 42 જેટલા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. જ્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં વાવાઝોડાના કારણે દીવાલ ધરાશાયી થતાં કાટમાળ હેઠળ દબાયેલા દાદી-પૌત્રના મોત નીપજ્યા છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 42 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

જો વરસાદના આંકડાની વિગતો જોઈએ તો, સૌથી વધુ 54 મિ.મી (2.13 ઈંચ) વરસાદ અરવલ્લી જિલ્લાના સાઠંબામાં પડ્યો છે. આ સિવાય ગાંધીનગરના માણસામાં 41 મિ.મી (1.6 ઈંચ), અરવલ્લીના બાયડમાં 35 મિ.મી. (1.3 ઈંચ), મહેસાણાના વિજાપુરમાં 27 મિ.મી (1.06 ઈંચ), સાબરકાંઠાના તલોદમાં 26 મિ.મી (1.02 ઈંચ) વરસાદ નોંધાયો છે.

શહેરામાં દીવાલ ધરાશાયી થતાં દાદી-પૌત્રનું મોત

આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં દિવસ દરમિયાન વાદળ છાયા વાતાવરણ વચ્ચે મોડી સાંજે મિની વાવાઝોડું ફૂંકાવા સાથે 33 મિ.મી (1.3 ઈંચ) જેટલો ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક ફૂંકાયેલા ભારે પવનના કારણે શહેરા તાલુકાના છોગાળા ગામમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દીવાલના કાટમાળ હેઠળ દાદી અને પૌત્ર દબાઈ ગયા હતા.

આ બાબતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે કાટમાળ હટાવીને દાદી અને પૌત્રને બહાર કાઢ્યા હતા. જો કે ધાર્મિકકુમાર (7 વર્ષ)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે ઈજાગ્રસ્ત દાદીને 108ની મદદથી સારવાર અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, સાબરકાંઠાના હિંમતનગરમાં 24 મિ.મી, પંચમહાલના મોરવા હડફમાં 24 મિ.મી., અરવલ્લીના મોડાસામાં 17 મિ.મી., ભાવનગરમાં 16 મિ.મી., દાહોદના ફતેપુરામાં 13 મિ.મી., સાબરકાંઠાના પ્રાંતિજમાં 13 મિ.મી તેમજ વડાલીમાં 10 મિ.મી વરસાદ પડ્યો છે. એકતરફ કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતોને પાક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે.