Gujarat weather update: ગુજરાતમાં ભર ઉનાળે માવઠું, 28 તાલુકામાં કમોસમી વરસાદ; કલ્યાણપુરમાં સૌથી વધુ ખાબક્યો

ખેતપેદાશોને સુરક્ષિત સ્થળે ખસેડવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 04 Apr 2026 10:28 AM (IST)Updated: Sat, 04 Apr 2026 10:28 AM (IST)
unseasonal-rainfall-in-28-talukas-of-gujarat-in-last-24-hours
HIGHLIGHTS
  • છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ
  • 28 તાલુકામાં વરસાદી ઝાપટા
  • કલ્યાણપુરમાં સૌથી વધુ નોંધાયો

Gujarat Unseasonal Rain Update: ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. આજે 4 એપ્રિલ, શનિવારના રોજ પ્રાપ્ત થયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પોતાના પાકને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સૌથી વધુ કમોસમી વરસાદ ક્યાં નોંધાયો? 

તાજેતરના આંકડા મુજબ, 3 એપ્રિલ સવારે 6:00 વાગ્યાથી 4 એપ્રિલ સવારે 6:00 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 28 તાલુકાઓમાં વરસાદી ઝાપટાથી લઈને એક ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે.

  • દેવભૂમિ દ્વારકા (કલ્યાણપુર): સૌથી વધુ 26 mm (1.02 ઈંચ) વરસાદ નોંધાયો છે.
  • ગીર સોમનાથ (પાટણ-વેરાવળ): 25 mm (0.98 ઈંચ) વરસાદ પડ્યો છે.
  • ભાવનગર (ભાવનગર તાલુકો): 17 mm (0.67 ઈંચ) વરસાદ ખાબક્યો છે.
  • ભાવનગર (ઘોઘા) અને દેવભૂમિ દ્વારકા (ખંભાળિયા): બંને તાલુકાઓમાં 16 mm (0.63 ઈંચ) કમોસમી વરસાદ નોંધાયો છે.

અન્ય જિલ્લાઓમાં પણ માવઠાની અસર 

સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ ઉપરાંત પાટણ, સાબરકાંઠા (તલોદ), જામનગર (લાલપુર), આણંદ (તારાપુર), ખેડા (માતર), અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર (દહેગામ) જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાં પણ હળવો વરસાદ નોંધાયો છે.

  • કચ્છ: અંજાર અને મુંદ્રામાં 5 mm (0.20 ઈંચ) તેમજ ગાંધીધામમાં 4 mm (0.16 ઈંચ) વરસાદ નોંધાયો છે.
  • અમદાવાદ: દસક્રોઈમાં 5 mm (0.20 ઈંચ) અને અમદાવાદ શહેરમાં 2 mm (0.08 ઈંચ) વરસાદ પડ્યો છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં અચાનક બદલાયેલા આ વાતાવરણ અને માવઠાને પગલે ગરમીમાં આંશિક રાહત મળી છે. પરંતુ ખેતરોમાં ઉભા પાક અને માર્કેટ યાર્ડમાં રહેલા અનાજને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. ખેડૂતોને સાવચેતી રાખવા અને ખેતપેદાશોને સુરક્ષિત સ્થળે ખસેડવા અનુરોધ કરવામાં આવ્યો છે.