​​Jafrabad News: જાફરાબાદના દરિયામાં સર્જાઈ દુર્ઘટના; બોટ પર ખલાસીનો પગ કપાઈ ગયો! કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરી

જાફરાબાદ બંદરની માલિકીની 'અકબરી કસ્તી' નામની બોટ દરિયામાં માછીમારી કરી રહી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 23 Nov 2025 08:01 PM (IST)Updated: Sun 23 Nov 2025 08:01 PM (IST)
accident-in-the-sea-of-jafrabadsailors-leg-amputated-on-the-boatcoast-guard-undertakes-rescue-operation-643199

​​Jafrabad News: જાફરાબાદના મધદરિયામાં માછીમારી માટે ગયેલી એક બોટમાં અકસ્માત થતા એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. ખલાસીનો પગ કપાઈ જતાં તાત્કાલિક કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી હતી, જેમણે સમયસર પહોંચીને ઈજાગ્રસ્તને સારવાર આપી વધુ સારવાર માટે કિનારે ખસેડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, જાફરાબાદ બંદરની માલિકીની 'અકબરી કસ્તી' નામની બોટ દરિયામાં માછીમારી કરી રહી હતી. તે દરમિયાન બોટ પર કોઈ અકસ્માત સર્જાતા બોટમાં કામ કરતા ખલાસી મોહનભાઈ શિયાળ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતમાં મોહનભાઈ શિયાળનો પગ કપાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે, જેને કારણે બોટના અન્ય સાથીઓએ તાત્કાલિક કોસ્ટ ગાર્ડને જાણ કરી મદદ માટે વિનંતી કરી હતી.

ગુજરાત કોસ્ટ ગાર્ડને દુર્ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક બચાવ બોટ લઈને દુર્ઘટના સ્થળ તરફ રવાના થયા હતા. કોસ્ટ ગાર્ડના જવાનો સમયસર બોટ સુધી પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત ખલાસી મોહનભાઈ શિયાળને પ્રાથમિક સારવાર આપી હતી. તેમની સમયસૂચકતાને કારણે ખલાસીનો જીવ બચી ગયો હતો.

પ્રાથમિક સારવાર આપ્યા બાદ, મોહનભાઈ શિયાળને વધુ સારવાર માટે સુરક્ષિત રીતે જાફરાબાદ બંદર પર લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ ખલાસીની તબિયત વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.