Amreli News: અમરેલીના લીલીયા પંથકના અંટાળીયા નજીક ગેરકાયદેસર સિંહદર્શન કરવા ગયેલા બે યુવકો પર સિંહે હુમલો કરીને એક 21 વર્ષીય યુવકને ફાડી ખાધો છે. આ જ સિંહે અગાઉ પણ એક વ્યક્તિને મારી નાખ્યો હતો. આથી આ ભગતન નામના નર સિંહને વન વિભાગે બેભાન કરીને કેદ કરી લીધો છે. હવે આ સિંહ આજીવન કેદમાં રહેશે. ઉપરાંત આ ઘટનામાં સાથે ગયેલા 2 યુવકની પૂછપરછ કરાઈ રહી છે.
શું હતી સમગ્ર ઘટના
લીલીયા પંથકના અંટાળીયા રિઝર્વ ફોરેસ્ટ નજીક બાવળની ઝાડીઓમાં ગત સાંજના 7થી 7:30 વાગ્યાના અરસામાં 3 યુવાનો ગેરકાયદેસર સિંહ દર્શન કરવા માટે ઘૂસી ગયા હતા. આ દરમિયાન સિંહને ખલેલ પહોંચતા સિંહ આક્રમક બની ગયો હતો. તે સિંહે અમરેલી કસબામાં રહેતા સાહિલ રફિકભાઈ મુંજાવર પર હુમલો કરી દેતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
આ યુવકની સાથે આવેલા અન્ય યુવાનો સાવરકુંડલાના યક્ષરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાંઝા અને અમરેલીના રહેમાન ખાન પરવેઝખાન પઠાણ જીવ બચાવીને નાસી ગયા હતા. રોડ પર આવી સ્થાનિકો અને વનવિભાગને જાણ કરી હતી.
વન વિભાગે રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું
વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને સિંહના સકંજામાંથી યુવાનના મૃતદેહને છોડાવ્યો હતો. તેમજ લોડરની સુપડીમાં બેસીને મૃતકને બહાર કાઢ્યો હતો અને મૃતદેહને પીએમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. ભગત નામના સિંહે અગાઉ પણ લીલીયાના લુવારીયા ગામના એક યુવકને ફાડી ખાધો હતો. સતત બીજી ઘટના બાદ વન વિભાગે નર સિંહને બેહોશ કરીને તેને ક્રાકચ એનિમલ કેર સેન્ટરમાં મોકલ્યો છે. હવે આ સિંહ અહીં આજીવન કેદમાં રહેશે.
યુવકોએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો
સિંહના હુમલામાં બચી ગયેલા બંને યુવકોની વન વિભાગ દ્વારા હાલ આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે, ગેરકાયદેસર સિંહ દર્શનના ગુના અને પુરાવાઓ છુપાવવા માટે યુવકોએ ફોટો, વીડિયો અને કોલ ડિટેલ્સ ડિલીટ કરી નાખી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વન વિભાગ બંને યુવકોને મોડી રાત્રે તપાસ માટે ઘટના સ્થળે પણ ગયા હતા.
આ ઘટના અંગે શેત્રુંજી ડિવીઝનના ડીસીએફ ચિરાગ અમીનના જણાવ્યા મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ સિંહ-સિંહણનો સંવનન કાળ હોય ત્યારે તે સમયે આ યુવકોએ સિંહની પજવણી કરતા તેમના પર હુમલો કર્યો હોય તેવી સંભાવના છે. આ ગંભીર ઘટનાને ધ્યાને લઈને તેની તપાસ કરવામાં આવશે.
