Amreli Lion Attack: લિલિયામાં સિંહના હુમલામાં યુવકના મોત બાદ વન વિભાગની કાર્યવાહી, મૃતકના બે સાથીઓની ધરપકડ

અમરેલીના લિલિયામાં સિંહના હુમલામાં યુવકના મોત બાદ વન વિભાગે કાર્યવાહી કરી છે. સિંહને પજવણી કરવા બદલ મૃતક સહિત ત્રણ સામે કેસ નોંધાયો અને બે મિત્રોની ધરપકડ કરાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 11 Jul 2026 06:05 PM (IST)Updated: Sat, 11 Jul 2026 06:05 PM (IST)
amreli-lion-attack-two-arrested-after-youth-death
HIGHLIGHTS
  • આરોપીઓએ પોતાના મોબાઈલ ફેક્ટરી રિસેટ કર્યા, ફોરેન્સિક તપાસ માટે મોકલાયા

Amreli Lion Attack: અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના આંબરડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે સિંહના હુમલામાં 21 વર્ષીય યુવાન સોહિલ મુજાવરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ વન વિભાગે ગંભીરતા દાખવી કડક કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગ દ્વારા મૃતક સહિત ત્રણ લોકો વિરુદ્ધ સિંહને પજવણી કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સોહિલ મુજાવર તેના બે મિત્રો - યશરાજસિંહ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણ સાથે સિંહ દર્શન કરવા માટે આંબરડી વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન સિંહના હુમલામાં સોહિલનું મોત નીપજ્યું હતું. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ યુવકો સિંહના દર્શન કરવાના ઈરાદે જ ત્યાં પહોંચ્યા હતા. 

 આ ઘટનામાં સંડોવાયેલા અન્ય બે યુવકો, યશરાજસિંહ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણની વન વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વધુ તપાસના ભાગરૂપે વન વિભાગે આરોપીઓના મોબાઈલ ફોન પણ કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.

જોકે આરોપીઓએ મોબાઈલ 'ફેક્ટરી રિસેટ' કરી દીધા હોવાથી હાલ ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ આગળની તપાસમાં જે માહિતી મળશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.