Amreli: અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના ક્રાકચ ગામમાં મારામારીની એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. જેમાં પાનની દુકાન આગળ ઊભેલા સહકારી બેંકના એક કર્મચારી પર કારમાં આવેલા ત્રણ શખ્સોએ ધોકા, લાકડી અને પાઇપો લઈને જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
CCTVમાં જોઈ શકાય છે કે, એક સફેદ કલરની કાર પાન પાર્લરની દુકાન આગળ આવીને ઊભી રહે છે. થોડીવારમાં રિવર્સ લઈને ઊભેલા યુવકની નજીક આવે છે. કારમાંથી પહેલા બે શખસો ઊતરે છે અને સહકારી બેંકના કર્મચારીને ખેંચીને પાન પાર્લરમાંથી બહાર કાઢીને રોડ પર લઈ જાય છે.
આ પણ વાંચો
યુવક કંઈ સમજે તે પહેલાં જ ત્રણેય શખ્સો ધોકા, લાકડી અને પાઇપ લઈને તેના પર તૂટી પડે છે. CCTVમાં દેખાય છે કે હુમલાખોરોએ યુવક પર પાઇપના આશરે 36 જેટલા પ્રહાર કર્યા હતા, જેના કારણે યુવકના હાથ-પગ તોડી નાખવામાં આવ્યા છે.
હુમલા દરમિયાન કારનો ડ્રાઇવર પણ બહાર આવીને માર મારવા લાગે છે. યુવક બચાવનો પ્રયાસ કરે છે અને એક શખસનો ધોકો પકડી લે છે, છતાં અન્ય શખસો તેને માર મારવાનું ચાલુ રાખે છે. આ દરમિયાન લોકોનું ટોળું ભેગું થતાં હુમલાખોરો પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
