Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેજળ ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બોલેરો પીકપ પલટી ખાઈ જતાં તેમાં સવાર એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 23 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગંઢોળ ગામનો પરિવાર સાવરકુંડલાના સેંજળ ગામેથી દીકરીને તેડીને પાલિતાણા તરફ જઈ રહ્યો હતો. આ સમયે સેજળ ગામ નજીક અચાનક બોલેરો પીકઅપના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તે પલટી ખાઈ ગઈ હતી.
આ પણ વાંચો
આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ જાણ કરતાં એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમણે એક મહિલાને મૃત જાહેર કરી હતી. જ્યારે અન્ય 23 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપ્યા હતા. જે પૈકી 6 મુસાફરોની હાલત ગંભીર જણાતા તેઓને અમરેલી સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે.
બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કશવાલા પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
