Amreli: અમરેલીના ગરણી ગામમાં ખેડૂતના મકાનમાં આજે ભેદી બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં મકાનના રસોડાનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. તેમજ આજુબાજુમાં આવેલા અન્ય મકાનોમાં પણ નુકસાન થયું હતું.
ભેદી ધડાકાને પગલે આજુબાજુમાં રહેતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ જતાં દોડીને બહાર રસ્તા પર આવી પહોંચ્યા હતાં. વહેલી સવારે ચારેક વાગ્યાની આ ઘટનામાં હાલ તંત્રએ પહોંચી તપાસ શરૂ કરી છે.
અમરેલીના ગરણી ગામમાં ખેડૂત નાગજીભાઈ ચોપડા પટેલના મકાનમાં વહેલી સવારે ભેદી ધડાકો થતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. મંગળવારે વહેલી સવારે 4:30 વાગ્યે મકાનના રસોડાના ભાગમાં ધડાકો થયો હતો, જેનાથી મકાનનો ઘણો ખરો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. ખાસ કરીને ધડાકાથી રસોડું તૂટ્યું હતું અને આસપાસના મકાનો પર પણ અસર જોવા મળી હતી.

વહેલી પરોઢે અચાનક થયેલા ભેદી ધડાકાના પગલે ભરનિન્દ્રામાં રહેલા લોકો સફાળા જાગી ગયા હતા. લોકોમાં ભારે કૂતુહલ સાથે ડર જોવા મળી રહ્યો છે.
નવાઈની વાત એ છે કે, ધડાકામાં ઘરમાં રહેલો ગેસનો બાટલો અને ફ્રીજ સલામત રહ્યું હતું. જો કે ભેદી ધડાકાના કારણે મકાનમાલિક અને આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ટોળા એકત્ર થયા હતા અને પછી બાબરા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે. ધડાકો શાના કારણે થયો છે તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરાઇ છે.
