Amreli: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસક જંગલી પ્રાણીઓનો આંતક જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જ હેઠળ આવતા વિસ્તારમાં દીપડાના હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં માતાની નજર સામે જ એક વર્ષની માસૂમ બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્ય પ્રદેશનો મજૂર પરિવાર ધારી તાલુકાના ત્રંબકપુર ગામના ખેડૂત પરષોત્તમ મોરીની વાડીમાં રહીને મજૂરીનું કામ કરતો હતો. આ પરિવારની એક વર્ષની બાળકી રિન્કુ નિનામાને માતા પોતાની બાજુમાં બેસાડીને રોટલી બનાવી રહી હતી.
આ પણ વાંચો
આ દરમિયાન અચાનક દીપડો ત્રાટક્યો હતો અને માતાની નજર સામે જ રિન્કુને ઉઠાવીને જંગલ તરફ દોટ મૂકી હતી. માતાની નજર સામે જ આ બનાવ બનતા સમગ્ર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બીજી તરફ આ બનાવની જાણ થતાં દલખાણીયા રેન્જના RFO સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જેમાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. હાલ તો વન વિભાગે માનવ ભક્ષી દીપડાને પકડવા માટે તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં કુલ 7 પાંજરાં ગોઠવી દીધા છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા માત્ર ચાર દિવસના ગાળામાં સિંહ અને દીપડાના હુમલાની આ ત્રીજી મોટી ઘટના નોંધાઈ છે. આ ઉપરા છાપરી હિંસક ઘટનાઓના કારણે સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોમાં વન વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોની દ્વારા વન વિભાગ સત્વરે આ હુમલાખોર પ્રાણીઓને પાંજરે પૂરીને માનવ વસ્તીની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. વન્ય પ્રાણીઓના વારંવારના હુમલાઓને કારણે લોકોમાં દહેશતનો માહોલ છે.
