Amreli Panchayat Election: લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની રાજનીતિમાં એન્ટ્રી, ભાજપે લાઠીની ચાંવડ બેઠક પર મેદાનમાં ઉતાર્યા

ભાજપે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે. જે બદલ હું ભાજપ અને પાર્ટીના તમામ હોદ્દેદારોનો આભાર માનું છે. મને ખાતરી છે કે, અમે આ બેઠકો પર જંગી બહુમતીથી જીતી જઈશું: સોનલ ડેર

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 11 Apr 2026 06:03 PM (IST)Updated: Sat 11 Apr 2026 06:03 PM (IST)
bjp-fields-mayabhai-ahirs-daughter-sonal-der-in-amreli-panchayat-elections-726312
HIGHLIGHTS
  • સોનલ ડેરે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી

Amreli Panchayat Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતા જ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપ દ્વારા ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. એવામાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ભાજપ દ્વારા ગુજરાતી લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી છે.

થોડા સમય પૂર્વે બગદાણાના કોળી યુવક પર જીવલેણ હુમલાને લઈને માયાભાઈ આહીરનો પરિવાર ચર્ચામાં આવ્યો હતો. આ કેસમાં માયાભાઈના પુત્ર અને ભાજપના નેતા જયરાજ આહીરને જેલની હવા પણ ખાવી પડી હતી. હવે માયાભાઈની પરિણીત પુત્રીએ રાજકારણમાં એન્ટ્રી મારી છે.

સોનલબેન ડેર શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભર્યું

સોનલબેન ડેર આજે શક્તિ પ્રદર્શન સાથે અમરેલી જિલ્લાની ચાંવડ બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ સમયે સ્થાનિક અમરેલી સાંસદ ભરત સુતરિયા, સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મને જંગી બહુમતીથી જીતનો વિશ્વાસઃ સોનલબેન ડેર

આ તકે સોનલબેન ડેરે જણાવ્યું કે, ભાજપે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે. જે બદ હું ભાજપ અને પાર્ટીના તમામ હોદ્દેદારોનો આભાર માનું છે. મને ખાતરી છે કે, અમે આ બેઠકો પર જંગી બહુમતીથી જીતી જઈશું.

જણાવી દઈએ કે, માયાભાઈ આહીરનો પરિવાર રાજકારણ સાથે સંકળાયેલો છે, તેવી જ રીતે સોનલબેન ડેરનો પરિવાર પણ ભાજપ સાથે જોડાયેલો છે. સોનલ ડેરના લગ્ન અમરેલી જિલ્લા ભાજપના પીઢ આગેવાન જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ સાથે થયા છે. જ્યારે જીતુભાઈ ડેરના પત્ની ગત ટર્મમાં જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.