Gujarat Dams Status, 25 July: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. 25 જુલાઈ 2026 ના રોજ સવારે 10:00 વાગ્યા સુધીના સત્તાવાર રિપોર્ટ મુજબ, રાજ્યના 21 ડેમને વહીવટી તંત્રએ હાઈ એલર્ટ પર મૂક્યા છે.
સરદાર સરોવર ડેમની સ્થિતિ (Sardar Sarovar Dam)
સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 25,739 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. આ જંગી આવકને પગલે સરદાર સરોવરમાંહાલનો સંગ્રહ 2,30,289 mcft સુધી પહોંચી ગયો, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 68.93% જેટલો છે. ડેમમાંથી હાલ નદીમાં 624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી હાલ 420.76 ફૂટે પહોંચી છે.
અન્ય ડેમોની સ્થિતિ-જળસપાટી (Gujarat Dam Status)
સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય 206 મહત્વના જળાશયોમાં પણ એકંદરે 2,50,045 mcft પાણીનો સંગ્રહ થયો છે, જે તેમની કુલ ક્ષમતાના 44.82% જેટલો છે.
| ભરાયેલ ટકાવારી | ડેમની સંખ્યા |
|---|---|
| 100% ભરાયેલ | 14 |
| 70% થી 100% વચ્ચે ભરાયેલ | 25 |
| 50% થી 70% વચ્ચે ભરાયેલ | 27 |
| 25% થી 50% વચ્ચે ભરાયેલ | 53 |
| 25% થી નીચે ભરાયેલ | 87 |
| કુલ ડેમ | 206 |
કયા ડેમ પર હાઈ એલર્ટ? (Dam Alert and Warning)
વિવિધ ડેમોમાં પાણીની સ્થિતિ મુજબ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, સાથે જ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
21 ડેમ હાઈએલર્ટ પર (High Alert)
90 ટકાથી વધુ ભરાયેલા ડેમો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. હાલ રાજ્યના 21 ડેમ હાઈએલર્ટ પર છે. જેમાં ધાતરવડી, સુરજવાડી, ધોલી, રોજકી, શેત્રુંજી, ફતેહગઢ, વણાકબોરી, મચ્છુ-II, ઝૂજ, કેલીયા, લાખીગામ, વાંસલ, ધોળીધજા અને દોસવાડા ડેમ સંપૂર્ણ ભરાયેલા છે.
| ડેમનું નામ | વર્તમાન પાણીની સપાટી | ડેમની સ્થિતિ (ભરાયેલ %) | એલર્ટ સ્થિતિ |
|---|---|---|---|
| મચ્છુ-II | 187.99 ફૂટ | 100% | હાઈ એલર્ટ |
| શેત્રુંજી | 182.18 ફૂટ | 100% | હાઈ એલર્ટ |
| વણાકબોરી | 67.82 મીટર | 100% | હાઈ એલર્ટ |
| ઝુજ | 167.9 મીટર | 100% | હાઈ એલર્ટ |
| કેલિયા | 113.8 મીટર | 100% | હાઈ એલર્ટ |
| ધાતરવડી | 81.24 મીટર | 100% | હાઈ એલર્ટ |
4 ડેમ એલર્ટ પર (Alert)
80 ટકાથી 90 ટકા સુધી ભરાયેલા 4 ડેમો એલર્ટ પર છે. જેમાં ભાદર-II (88.57%), માલણ (86.54%), રાવલ (82.04%) અને લાલપરી (80.82%) નો સમાવેશ થાય છે.
14 ડેમ વોર્નિંગ પર (Warning)
70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાયેલા 14 ડેમો માટે વોર્નિંગ આપવામાં આવી છે.
કયા ડેમ 100 ટકા ભરાઈ ઓવરફ્લો થયા?
ભારે વરસાદને પગલે નવસારીના ઝૂજ અને કેલીયા, મહીસાગરનો વણાકબોરી અને અમરેલીનો ધાતરવડી ડેમ અનગેટેડ (Ungated) યોજનાઓ તરીકે ઓવરફ્લો થઈ રહ્યા છે. મચ્છુ-II ડેમ 100% ભરાતા તેમાંથી 18,578 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે શેત્રુંજી ડેમમાંથી પણ 15,340 ક્યુસેક પાણીનો નિકાલ થઈ રહ્યો છે.
| જિલ્લો | ડેમનું નામ | મહત્તમ સપાટી (FRL મીટરમાં) | વર્તમાન સપાટી (PWL મીટરમાં) | ભરાયેલ ટકાવારી |
|---|---|---|---|---|
| નવસારી | ઝુજ | 167.5 | 167.9 | 100% |
| નવસારી | કેલિયા | 113.4 | 113.8 | 100% |
| મહીસાગર | વણાકબોરી | 67.3 | 67.82 | 100% |
| અમરેલી | ધાતરવડી | 81.23 | 81.24 | 100% |
દક્ષિણ ગુજરાતના મહત્વના એવા દમણગંગા ડેમમાં 55,386 ક્યુસેકની માતબર આવક સામે 53,000 ક્યુસેક પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમમાં 13,836 ક્યુસેક પાણીની આવક સામે તેટલું જ પાણી છોડાઈ રહ્યું છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના મોટા ડેમ ઉકાઈમાં 22,578 ક્યુસેક પાણીની આવક થઈ અને તે હાલ 43.17% ભરાયેલો છે.
નાગરિકો જોગ તંત્ર દ્વારા ખાસ સૂચના
ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી વહીવટી તંત્ર દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી પટમાં ન જવા અને સતર્ક રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા તમામ હાઈ એલર્ટ અને એલર્ટ વાળા જળાશયો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
