Mango Price Today In Amreli Market Yard: ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત સાથે જ ફળોના રાજા ગણાતી કેરીનું આગમન બજારમાં થઈ ચૂક્યું છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીની આવક સાથે બજારમાં ભારે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને હાફૂસ કેરીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકો માટે કેરી અત્યારે ‘મોંઘી મુરાદ’ સમાન બની છે.
અમરેલી યાર્ડમાં ભાવની સ્થિતિ
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે હરાજી દરમિયાન કેરીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. યાર્ડમાં 15 ક્વિન્ટલ હાફૂસ કેરીની આવક થઈ હતી. ગુણવત્તાના આધારે હાફૂસનો ભાવ પ્રતિ મણ (20 કિલો) 5,000 થી 7,000 સુધી બોલાયો હતો. તેમજ સૌરાષ્ટ્રની શાન ગણાતી કેસર કેરીની 25 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. કેસરનો ભાવ પ્રતિ મણ 3,000 થી 5,000 સુધી રહ્યો હતો. માત્ર કેરી જ નહીં, અન્ય ફળોમાં પણ તેજી જોવા મળી હતી. દાડમનો ભાવ 1,600 થી 2,500 અને મોસંબીનો ભાવ 600 થી 860 પ્રતિ મણ નોંધાયો હતો.
આ પણ વાંચો
છેલ્લા 15 વર્ષથી ફ્રૂટના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીના જણાવ્યા અનુસાર, હોલસેલ માર્કેટની સરખામણીએ રિટેલ માર્કેટમાં ભાવો વધુ આકરા છે. તાજેતરમાં અમુક પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને વધતી જતી માંગને કારણે ભાવોમાં વધારો થયો છે. ખુલ્લા બજારમાં કેસર કેરીનો ભાવ 400 થી 600 અને સારી ક્વોલિટીની હાફૂસનો ભાવ 400 થી 700 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. ખાસ કરીને અથાણાની સીઝન શરૂ થઈ હોવાથી પણ કેરીની માંગમાં મોટો વધારો જોવા મળ્યો છે.
જૂનાગઢ અને તાલાલા પંથકની સ્થિતિ
કેરીના ગઢ ગણાતા જૂનાગઢ યાર્ડમાં આજે 282 ક્વિન્ટલ કેસર કેરીની આવક થઈ હતી. જોકે, ત્યાં હજુ કાચી કેરી વધુ આવી રહી હોવાથી ભાવ અમરેલી કરતા નીચા જોવા મળ્યા હતા. જૂનાગઢમાં કેસરના નીચા ભાવ 1,000 અને ઊંચા ભાવ 3,000 પ્રતિ મણ રહ્યા હતા. આગામી દિવસોમાં આવક વધવાની સાથે ભાવોમાં થોડો ઘટાડો થવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
