UpdatedIST

Amreli News: કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક 'વાણી તો અમરત વદાં'નું મોરારીબાપુના હસ્તે પુનઃવિમોચન

નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે 'કાગના ફળિયે કાગની વાતુ' કાર્યક્રમના 25માં મણકા નિમિતે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવ્યુ હતુ.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 21 Feb 2026 10:28 PM (IST)Updated: Sat 21 Feb 2026 10:28 PM (IST)
morari-bapu-re-releases-the-book-vani-to-amarat-vadaan-based-on-the-life-philosophy-of-poet-kaag-696402

Amreli News: 2026 પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક 'વાણી તો અમરત વદાં'નું 23 વર્ષ બાદ અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના હસ્તે પુન:વિમોચન થયું હતું.

રાજ્યનાં માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે 'કાગના ફળિયે કાગની વાતુ' કાર્યક્રમના 25માં મણકા નિમિતે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવ્યુ હતુ.

આ પુસ્તકનું વિમોચન મોરારીબાપુ સાથે વીએસ ગઢવી, પુસ્તકના સંપાદક, અંબાદાન રોહડીયા, ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ, જયેશ દવે, રામ ભાઈ જામંગની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.

આ પુસ્તકની નવસંવર્ધિત આવૃત્તિના વિમોચન પ્રસંગે પૂર્વ માહિતી નિયામક વસંત ગઢવીએ પુસ્તકના પ્રકાશન પાછળની રસપ્રદ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે પુસ્તકનું પ્રથમવાર વિમોચન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. કવિ કાગની 100મી જન્મ જયંતી ના અવસરે આ પુસ્તક સાથે એક ટપાલ ટિકિટ અને ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન કરી અને કવિ કાગના સાહિત્ય અને કવિતાના પ્રદાનને "કાવ્યાંજલિ" આપવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું કે, 'વાણી તો અમરત વદાં' ની પ્રતો ઉપલબ્ધ ન હોવાથી અને તેને અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડી અને નવ સંવર્ધિત સંસ્કરણ રજૂ કરવાના હેતુથી પુનઃ વિમોચન કરવામાં આવ્યું છે.

આ પુસ્તકમાં જાણીતા લેખક અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ, જાણીતા કવિ અને નિવૃત્ત સનદી અધિકારી ભાગ્યશ જહા, વી.એસ.ગઢવી, લક્ષ્મણ પિંગળશી ગઢવી સહિતના સમર્થ લેખકો દ્વારા લખાયેલા 43 ચેપ્ટરો કાગ સાહિત્ય પ્રેમીઓ માટે ઉપયોગી પુરવાર થશે.

આ પુસ્તકના પુનઃ વિમોચન બદલ મોરારીબાપુ એ અંતઃકરણથી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. જ્યારે વી.એસ ગઢવીએ માહિતી કમિશનર કેએલ બચાણી અને માહિતી ખાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ચારણ સંસ્કૃતિનું દર્શન કરાવતા અંક 'ચારણ સંસ્કૃતિ' નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કચ્છથી પધારેલા પ્રોફેસર રમજાન એ કાગ વાણી અને સાહિત્યનું રસપાન કરાવ્યું હતું.

ગુજરાતી લોકસાહિત્યમાં શિરમોર કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તેમના વતન મજાદર(કાગધામ) ખાતે કવિ કાગના જીવનદર્શન ઉપરાંત કાગવાણીના ભક્તિ, શૌર્ય તથા બીજા અનેક વૈવિધ્યસભર અમર કાવ્યોને યાદ કરી કવિકાગને શ્રધ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે.

આ નવસંસ્કરિત પુસ્તકમાં જૂના લેખોની સાથે નવા કેટલાક લેખોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં કવિ કાગના સમગ્ર કર્તૃત્વ અને જીવનદર્શનને પાંચ ખંડોમાં સમાવિષ્ટ કરાયા છે.

જેમાં વ્યક્તિત્વ અને વાઙ્મય સંસ્કૃતિ અને સમાજ, પ્રાચીન અને અર્વાચીનનો સમન્વય, કાગવાણી વિશેષ પરિપ્રેક્ષ્યમાં અને કાગવાણીના બહુવિધ પરિમાણોનો સમાવેશ થાય છે.

આ ગ્રંથને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરીને વધુ લોકસ્વીકૃત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગ્રંથમાં મુકાયેલ QR કોડ મોબાઇલની મદદથી સ્કેન કરવાથી કાગબાપુના કંઠે રજૂ થયેલ લોકરામાયણ, મહાભારત અને અન્ય કૃતિઓ આકાશવાણીના પ્રસંગો સાંભળી શકાશે.

કવિ કાગની કહેણીની શૈલી અને કંઠની ઋજુતાને જન જન સુધી પંહોચાડવાનો આ આવકારદાયક પ્રયાસ છે.

કવિ શ્રી કાગ વિષયક સ્વાધ્યાય લેખોને સમાવતો આ દળદાર ગ્રંથ વાચકો, સાહિત્યકારો અને લોક કલાકારોને કવિ કાગ અને તેમણે સર્જેલા સાહિત્યનો વિશેષ પરિચય આપશે અને અત્યંત ઉપયોગી બની રહેશે.

આ પ્રસંગે જાણીતા સાહિત્યકારો, કવિઓનું ' કાગ એવોર્ડ'થી સન્માન કરવામાં આવ્યું હતું. મજાદર ખાતે સતત 25 વર્ષથી આ કાર્યક્રમ અવિરતપણે યોજવા બદલ વસંત ગઢવીએ મોરારીબાપુનો આભાર વ્યક્ત કર્યો હતો.