Amreli: અમરેલી જિલ્લામાં માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના પીઠવજાળ ગામમાં વાડી વિસ્તારમાં મજૂરી કરી રહેલા શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી પર હિંસક જાનવરે હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે.
અમરેલીના પીઠવજાળથી ગાવડકા રોડ પર આવેલી મુળુભાઇ વાળાની વાડીમાં આ ઘટના બની હતી. અહીં મધ્યપ્રદેશથી આવેલા શ્રમિક પરિવારના સભ્યો કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા. જ્યાં માતા-પિતા સાથે ખેતરમાં હાજર પૂર્વી પર અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા હિંસક પ્રાણીએ હુમલો કર્યો હતો. બાળકીના આક્રંદને પગલે આસપાસના લોકો દોડી આવતા વન્ય પ્રાણી નાસી છૂટ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ પીઠવજાળ ગામના સરપંચ ભાવેશભાઈ દેસાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક બાળકીને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી પંથકમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો ખેતરોમાં વસવાટ કરે છે. આ ઘટનાને પગલે ખેતમજૂરોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક વિસ્તારમાં પાંજરાઓ ગોઠવવામાં આવે અને આવા હિંસક પ્રાણીને જબ્બે કરી જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે. સમગ્ર ઘટનાની જાણ કરાતા અમરેલી વનવિભાગ ઘટના સ્થળે પહોંચી આ હિંસક પ્રાણી ક્યું છે તે જાણવા તેમજ તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
