Anand: ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી યુવક અને યુવતી મુશ્કેલીમાં મુકાયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવક અને યુવતીને અઝરબૈઝાનમાં બંધક બનાવીને પરિવાર પાસેથી ખંડણી વસૂલવામાં આવી છે. આ મામલે સાંસદે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરી છે.
વાસદની યુવતી અને ઝાંખરીયાના યુવકને બંધક બનાવ્યા
આણંદ જિલ્લાના ઝાંખરીયા ગામનો યુવક અને વાસદની યુવતી અમેરિકા જવા માંગતા હતા. આ દરમિયાન મુંબઈના એજન્ટોએ બન્નેને અઝરબૈજાન અને કેનેડા થઈને અમેરિકા પહોંચાડવાની લાલચ આપી હતી.
આથી મુંબઈના એજન્ટીની વાતોમાં આવીને યુવક અને યુવતી ગત 30 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટથી રવાના થયા હતા. જ્યાંથી અઝરબૈજાન થઈને કેનેડા અને ત્યાંથી અમેરિકા મોકલવાના હતા.
યુવકને બેરહેમીથી માર મારતો વીડિયો ઉતારી પરિવારને બતાવ્યો
જો કે દિલ્હીથી બન્નેને અઝરબૈજાન લઈ જઈને બંધક બનાવી દેવામાં આવ્યા છે. જ્યાંથી યુવકના પરિવારજનોને વોટ્સએપ પર વીડિયો કોલ કરીને યુવકને માર મારતો વીડિયો બતાવીને ખંડણી માંગવામાં આવી હતી. જેના પગલે ગભરાયેલા પરિવારજનોએ 35 લાખ રૂપિયા રોકડા તેમજ 15 લાખની ક્રિપ્ટો કરન્સી ચૂકવી હતી.
આવી જ રીતે યુવતીના પરિવારજનો પાસેથી પણ 15 લાખની ક્રિપ્ટો કરન્સી પડાવાઈ હતી. આમ અપહરણકારોએ યુવક-યુવતીની પાસેથી કુલ 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી.
પૈસા ના આપે તો કિડની વેચી મારવાની ધમકી આપી
આ મામલે પરિવારજનોએ ગ્રામ્ય પોલીસ મથકમાં એજન્ટ પવન સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, એજન્ટોએ પૈસા ના ચૂકવે તો બન્નેની કિડની કાઢીને વેચી નાંખવાની ધમકી આપી છે. હાલ તો આ સમગ્ર કેસની તપાસ LCBને સોંપવામાં આવી છે, જેના આધારે મુંબઈ સ્થિત એજન્ટોની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આણંદના સાંસદે ગૃહ અને વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરી
આ બાબતની જાણ થતાં આણંદના સાંસદ મિતેષ પટેલે બંધક યુવક અને યુવતીને છોડાવવા માટે ગૃહમંત્રાલય અને વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરતો ઈમેઈલ મોકલ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, ગત 30 જાન્યુઆરીએ યુવક અને યુવતી વડોદરાથી દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાંથી અઝરબૈજાન જવા નીકળ્યા હતા.
અઝરબૈજાનમાં યુવક-યુવતીને બંધક બનાવી તેમના પરિવારને વોટ્સએપ પર વીડિયો કોલ કરીને કેનેડા પહોંચ્યા હોવાનું જણાવીને પેમેન્ટ માંગતા પરિવારને ચૂકવી દીધા હતા.
બીજી તરફ પરિવારજનોનો આક્ષેપ છે કે, વોટ્સએપ પર વીડિયો કોલ પર વાતચીતમાં તેમને ટોર્ચર કરવામાં આવ્યા છે. 8 ફેબ્રુઆરીએ એજન્ટે યુવકના પરિવારને ફોન કરીને કહ્યું કે, બન્નેને છોડી દેવામાં આવશે. જો કે થોડા સમય બાદ અન્ય નંબરથી મેસેજ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, અમે બન્નેને 'ખાન બાબા'ને વેચી માર્યા છે.
