Anand Rain: 24 કલાકમાં સરેરાશ 8.27 ઈંચ વરસાદથી જળબંબાકાર, મનપા ટીમે લકવાગ્રસ્ત દર્દીનું કર્યું રેસ્ક્યુ

નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક વહીવટી તંત્રના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 25 Jul 2026 01:40 PM (IST)Updated: Sat, 25 Jul 2026 01:40 PM (IST)
anand-heavy-rainfall-paralyzed-patientrescue-operation-waterlogging
Anand Rain Rescue

Anand Rain Rescue: આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મુશળધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને રાહત પોર્ટલના સત્તાવાર આંકડા મુજબ જિલ્લાના તમામ 8 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 8.27 ઇંચ (210.13 મીમી) વરસાદ ખાબક્યો હતો.

વરસાદના આંકડા અને હવામાન વિભાગનું એલર્ટ

તાલુકાવાર વરસાદના આંકડા પર નજર કરીએ તો સોજીત્રા તાલુકામાં વાર્ષિક સરેરાશનો 50.22 ટકા વરસાદ પડી ચૂક્યો છે. બોરસદ અને આણંદ તાલુકામાં 8 ઈંચથી વધુ, આંકલાવમાં 5.59 ઈંચ, ઉમરેઠમાં 5.07 ઈંચ અને ખંભાળતમાં 5.02 ઈંચ વરસાદ નોંધાયો છે.

naidunia_image

હવામાન વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આણંદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તમામ તાલુકા પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સ્થાનિક તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે.

પૂર જેવી સ્થિતિ: લકવાગ્રસ્ત દર્દીનું સુરક્ષિત રેસ્ક્યુ

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 5 માં આવેલા પાધરિયા વિસ્તારની ગુરુકૃપા સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં રહેતા પ્રીતમભાઈ વાઘેલાના ઘરમાં પાણી ભરાતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘરમાં બે નાના બાળકો અને લકવાની બીમારીથી પીડાતા ઘરના મોભી હલનચલન કરી શકે તેમ ન હોવાથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.

naidunia_image

આ પરિવારે મહાનગરપાલિકાના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતા જ પાલિકાની ફાયર અને ઈમરજન્સી સર્વિસ ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમે અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં લકવાગ્રસ્ત દર્દી અને તેમના પરિવારનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા.

મહાનગરપાલિકાની આ સરાહનીય કામગીરી બદલ પરિવારે કૃતજ્ઞતા વ્યક્ત કરી, તેમજ મ્યુનિસિપલ કમિશનરે પણ રેસ્ક્યુ કરનાર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ આપત્તિ કે જળબંબાકારની સ્થિતિમાં તાત્કાલિક મહાનગરપાલિકાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવો.