Anand News: આણંદના વાસદમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. મહીસાગર નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકિંગ હાથ ધરીને 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન કરતા અને પરવાનગી મેળવી હોય તેના કરતાં વધુ રેતી કાઢતા હોય તેવા લોકો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવા જણાવ્યું હતું. આણંદના પ્રાંત અધિકારી મયુર પરમાર, આણંદ ગ્રામ્ય મામલતદાર વિજયરાજ સિંહ ગોહિલ, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ અને વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવીને આજે સવારથી જ વાસદ મહીસાગરના પટમાં બ્રિજની જોડે ગેર કાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી વગર રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારી ડો. મયુર પરમાર અને ટીમ દ્વારા વાસદના મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર સામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વાસદ મહીસાગર નદીના પટમાંથી કોઈપણ મંજૂરી વગર નાવડી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જેમણે ખાણ ખનીજ વિભાગની મંજૂરી લીધી હતી પરંતુ તેના કરતાં વધુ રેતી ખનન કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 10 ચારણા,07 એક્સકવેટર મશીન, 25 બોટ, નાવડી અને 25 પાઇપ મળીને અંદાજિત રૂપિયા 4.32 કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને વાસદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.
આ પણ વાંચો
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવશે. આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો સામે અને પરવાનગી મેળવી હોય પણ તેના કરતાં વધુ રેતી ખલન કરતા હોય તેવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
