Anand Accident: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામ નજીકથી પસાર થતાં વાસદ-બગોદરા માર્ગ પર આજે રવિવારે બપોરના સમયે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં બેફામ ઝડપે અને રોંગ સાઈડમાં આવી રહેલી કાળમુખા ટ્રકે ત્રિપલ સવારી જતાં બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત આંકલાવના એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર અન્ય બે શ્રમજીવી મિત્રો ગંભીર રીતે ઘવાતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વડોદરાથી મજૂરી કામ પતાવી ઘરે પરત ફરતા કાળનો ભેટો થયો
આંકલાવ ખાતે રહેતા સુનિલભાઈ વિનુભાઈ રાઠોડ તેમના સાથી મિત્રો નટુભાઈ તેજસિંહ પઢીયાર અને ભાનુંભાઈ રાવજીભાઈ ઠાકોર સાથે વડોદરા શહેરમાં મજૂરી કામ અર્થે ગયા હતા. જ્યાં દિવસ દરમિયાન રોજીરોટીનું કામ પતાવીને ત્રણેય મિત્રો પોતાની બાઇક પર સવાર થઈને આંકલાવ પરત ફરી રહ્યા હતા.
તેઓ વાસદ-બગોદરા હાઈવે પર આસોદર ગામના પાટિયા નજીક પહોંચતા જ સામેથી રોંગ સાઈડમાં પુરપાટ ધસી આવેલી ટ્રકના ચાલકે તેમના બાઇકને અડફેટે લીધી હતી. ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે, બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા બાઈક ચાલક સુનિલ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે બાઈકની પાછળ બેઠેલા નટુ પઢીયાર અને ભાનુભાઈ ઠાકોર ઉછળીને રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
બાઈક અને ટ્રકની જોરદાર ટક્કરનો અવાજ સાંભળીને સ્થાનિકો તેમજ ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ બાબતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જે બાદ બન્ને ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ અકસ્માતની જાણ થતાં આંકલાવ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. હાલ તો પોલીસે મૃતક સુનિલ રાઠોડના મૃતદેહનો કબજો લઈ પંચનામું કરીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો છે. જેમત અકસ્માતે મોતનો ગુનો નોંધી રોંગ સાઈડમાં આવી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
