કરમસદથી કેવડિયા સુધી એકતા યાત્રાઃ યુનિટી માર્ચનો પીએમ મોદીએ વર્ચ્યુઅલી કરાવ્યો પ્રારંભ

સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી પ્રારંભ થતી આ યાત્રા દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવના સંદેશ સાથે આગળ વધશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 26 Nov 2025 10:31 AM (IST)Updated: Wed 26 Nov 2025 12:13 PM (IST)
anand-news-national-unity-yatra-to-begin-from-karamsad-on-sardar-patels-150th-anniversary-pm-modi-to-join-virtually-644688

National Unity Yatra, Sardar Patel 150th Birth Anniversary: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ સરદાર પટેલના નિવાસ્થાનની મુલાકાત લીધી હતી. સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી છે. ભૂપેન્દ્ર પટેલની સાથે ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સહા પણ હાજર છે. કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા પદ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. પીએમ મોદીએ વર્ચ્યુઅલી જોડાઇને યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો હતો.

કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા યાત્રાનો આરંભ થશે

આણંદ જિલ્લામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે ભવ્ય રાષ્ટ્રીય એકતા યાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે. સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી પ્રારંભ થતી આ યાત્રા દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવના સંદેશ સાથે આગળ વધશે. આ યાત્રાનો પ્રસ્થાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી કરાવવામાં આવ્યું છે. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રોફેસર માણિક સાહા ઉપસ્થિત રહ્યા છે.

આ એકતા યાત્રા 152 કિલોમીટરનું અંતર કાપશે

યાત્રા કરમસદથી કેવડિયા સુધી કુલ 152 કિલોમીટરનું અંતર કાપશે. યાત્રાના પ્રથમ દિવસે VVIP મહેમાનો સરદાર પટેલના કરમસદ સ્થિત ઘર ખાતે પહોચી તેમની જીવનયાત્રા અને કાર્ય અંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વિધાનનગર ખાતે શાસ્ત્રી મેદાનમાં જનસભાનું આયોજન કરવામાં આવશે, જેમાં વડાપ્રધાનનો સંદેશ અને રાષ્ટ્રીય એકતા અંગે માર્ગદર્શન રજૂ થશે. ત્યાર બાદ રાષ્ટ્રીય એકતા યાત્રાનો સત્તાવાર પ્રારંભ થશે અને જાહેર જનતા તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેની સાથે જોડાશે.

પ્રથમ રાત્રિ વિશ્રામ આણંદ જિલ્લાના નાવલી ગામમાં

આ યાત્રાનો પ્રથમ રાત્રિ વિશ્રામ આણંદ જિલ્લાના નાવલી ગામમાં નિર્ધારિત છે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને એકતા ગીતોના સ્વરો સાથે દેશભાવનાનું માહોલ સર્જાશે. યાત્રા માર્ગમાં અનેક ગામો અને શહેરોમાં સ્વાગત આયોજન કરવામાં આવશે, જેથી જનસમર્થન સાથે આ યાત્રા રાષ્ટ્રીય સંદેશને વધુ વ્યાપક બનાવે. કાર્યક્રમને ધ્યાને રાખીને સુરક્ષા અને વ્યવસ્થાપન માટે જિલ્લા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સરદાર પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં આ યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોમાં રાષ્ટ્રીય ગૌરવના ભાવને વધુ મજબૂત બનાવતી આ એકતા યાત્રા સરદાર પટેલના સર્વસમાવેશી વિચારો અને દેશવ્યાપી નેતૃત્વની યાદોને ફરી જીવીત કરી દેશની એકતા પ્રત્યે નવી પ્રતિબદ્ધતા પ્રગટાવશે. આણંદ જિલ્લાના ઈતિહાસમાં આ યાત્રા એક મહત્ત્વપૂર્ણ અને યાદગાર પાને રૂપે નોંધાશે.