Anand: ખંભાત શહેરની 'ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી' સંચાલિત એસ.બી. વકીલ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને થોડા મિનિટ મોડા પડવા બદલ અતિશય કડક સજા આપવામાં આવી હોવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે.
જેમાં સ્કૂલના આચાર્યા મંજરીબેન ગોરડીયાએ ધોરણ 4 સહિતના કુલ 8 વિદ્યાર્થીઓને માત્ર એકથી ત્રણ મિનિટ મોડું પહોંચવા બદલ સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધી ચાર કલાકથી વધુ સમય સુધી વર્ગખંડની બહાર બેસાડી રાખ્યા હતા. વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવા ઉપરાંત કડક ઠંડીમાં ખુલ્લામાં બેસાડવામાં આવ્યા હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યા છે.
વાલી જાકીરભાઈએ જણાવ્યું કે, તેઓ જ્યારે બપોરે પુત્રને લેવા શાળાએ પહોંચ્યા, ત્યારે તેમનો પુત્ર વર્ગખંડની બહાર એકલો બેઠેલો જોવા મળ્યો હતો. પ્રથમવાર માત્ર એક મિનિટ મોડું પડવા છતાં તેને કલાકો સુધી સજા આપવી શાળા સંચાલનની અમાનવીયતા દર્શાવે છે.
વાલીઓએ જ્યારે આચાર્ય સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે ‘મારી મરજી, મારી સ્કૂલ’ કહી વાલીઓ સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
બીજા વાલી અનવર મલેકે જણાવ્યું કે, તેમની દીકરી પણ ત્રણ મિનિટ મોડી પહોંચતા સજામાં સામેલ હતી. ‘જા તું FIR કરી દે’ કહી ધમકાવ્યાના આક્ષેપો સામે આવ્યા છે.
આચાર્યએ શાળાના કેમ્પસમાં વીડિયો ઉતારતા એક વાલીનો મોબાઇલ કબ્જે કરાવ્યો હતો અને બીજા વાલીને ‘તારું બાળક આ સ્કૂલમાં છે, હવે તું જોઈ લેજે’ જેવા શબ્દો બોલાયા હોવાનું કહેવામાં આવે છે.
આ મામલે ક્લાસ ટીચરે પોતે અજાણ હોવાનું જણાવ્યું છે. બીજી તરફ શાળાના આચાર્યનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ કૃષ્ણાભાઈ પટેલે જણાવ્યું કે, આ મામલે તપાસ શરૂ કરવામાં આવશે અને આચાર્યનો વાંક નીકળશે તો યોગ્ય પગલા લેવાશે. તેમણે ઉમેર્યું કે શિસ્ત જાળવવામાં વાલીઓ પણ સહકાર આપે તે જરૂરી છે, તેમ છતાં બાળકોને અયોગ્ય સજા આપવી યોગ્ય નથી.
