Anand Rain News: 4 કલાકમાં 6 ઈંચ ધોધમાર વરસાદથી ખંભાત જળબંબાકાર, 127 લોકોનું સ્થળાંતર

આખોલમાંથી 40, પાદરાના ડબકા ગામથી આંકલાવ આવેલા 42, સોજિત્રામાંથી 18, પેટલાદ હાઉસિંગ બોર્ડમાંથી 20 અને બોરસદના વન તળાવડીમાંથી 7 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 31 Jul 2026 05:48 PM (IST)Updated: Fri, 31 Jul 2026 05:48 PM (IST)
anand-rain-news-6-inches-of-rainfall-in-4-hours-cause-severe-waterlogging-in-khambhat

Anand Rain News: આણંદ જિલ્લામાં હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખંભાત શહેરમાં માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં 6 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતાં સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે.

અતિભારે વરસાદને કારણે ખંભાતના જહાંગીરપુર, સાલવા, ગફુરબસ્તી, નગીનાવાડી, માછીપુરા, આંબાખાડ અને કતકપૂર ત્રણ ઓરડી જેવા નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. ઘરોમાં પાણી પ્રવેશી જતાં સ્થાનિકોની હાલત અત્યંત કફોડી બની છે. આ ઉપરાંત, જીભઈપુરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે.

વરસાદી પાણીના ભરાવાને પગલે સ્થાનિકોમાં નગરપાલિકા અને તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે. સ્થાનિક રહેવાસી મલેક ઇસ્તીયાક હુસેન અને મોહમ્મદ ફૈઝાને આક્ષેપ કર્યો હતો કે, ડ્રેનેજ કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે ચોમાસામાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ઘર છોડવાની નોબત આવે છે. તંત્ર દ્વારા આ અંગે કોઈ કાયમી કામગીરી કરવામાં આવતી નથી.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમોએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. વધુ વરસાદની શક્યતાને જોતાં નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે.

બીજી તરફ, સમગ્ર આણંદ જિલ્લામાં સ્થિતિ પર નજર રાખવા માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી પોતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 127 લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં આખોલમાંથી 40, પાદરાના ડબકા ગામથી આંકલાવ આવેલા 42, સોજિત્રામાંથી 18, પેટલાદ હાઉસિંગ બોર્ડમાંથી 20 અને બોરસદના વન તળાવડીમાંથી 7 લોકોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ તમામ આશ્રિતો માટે રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.