BJP Candidate List: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. લાંબી પ્રતીક્ષા અને પ્રદેશ નેતાગીરીના ઝીણવટભર્યા મંથન બાદ ભારતીય જનતા પાર્ટીએ આણંદ અને કરમસદને જોડીને બનાવાયેલી નવી મહાનગરપાલિકા માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી રાજકીય ગલિયારાઓમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.
તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારોના નામ જાહેર
કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ઐતિહાસિક ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપે પોતાના ગઢને અકબંધ રાખવા માટે તમામ 13 વોર્ડમાં કુલ 52 ઉમેદવારોની ફોજ મેદાનમાં ઉતારી છે. ઉમેદવારોના નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર ફટાકડા ફોડી વિજયના વિશ્વાસ સાથે જીતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાજપનું સોશિયલ એન્જિનિયરિંગ: 4 મુસ્લિમ ઉમેદવારોને સ્થાન
આ વખતે ભાજપે ટિકિટ ફાળવણીમાં સર્વસમાવેશક અભિગમ અપનાવ્યો હોય તેમ જણાય છે. પક્ષ દ્વારા આ ચૂંટણીમાં 4 મુસ્લિમ ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
વોર્ડ નંબર-3: કાશ્મીરાબેન ફિરોઝભાઈ વહોરા અને ઈમરાનભાઈ અનવરભાઈ વહોરાને ટિકિટ અપાઈ છે.
વોર્ડ નંબર-4: ફરીનબાનુ શાહરૂખખાન પઠાણ અને અલ્તાફ અનવરભાઈ વહોરા મેદાનમાં ઉતરશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/NvRLAYHLcO
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2026
અંતિમ ઘડીએ ઉમેદવારોમાં દોડધામ
આવતીકાલે એટલે કે 11 એપ્રિલ ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપે યાદી જાહેર કરવામાં જે વ્યૂહાત્મક વિલંબ કર્યો હતો, તેના કારણે હવે ઉમેદવારો પાસે જરૂરી દસ્તાવેજો અને શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા માટે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે.
પ્રદેશ ભાજપ નેતાગીરીએ આ યાદી તૈયાર કરવામાં સ્થાનિક સમીકરણો અને જ્ઞાતિગત પાસાઓનું ખાસ ધ્યાન રાખ્યું છે. હવે જોવાનું એ રહેશે કે 'ચરોતરના હૃદય' સમાન આ નવી મહાનગરપાલિકામાં મતદારો કોના પર મહોર મારે છે.
