Aravalli: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હરીપુરા ગામમાં જૂની અદાવતમાં લગ્નના વરઘોડામાં ગયેલા બે યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બીજા યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રિટોડા ગામમાં રહેતો હાર્દિક હોથા અને તેનો મિત્ર યોગેશ ડામોર લગ્નના વરઘોડા માટે હરિપુરા ગામે ગયા હતા. જ્યાં જૂની અદાવતમાં હરિપુરા અને કાળી ડુંગરીના 8 જેટલા ઈસમોએ બન્ને યુવકોને આંતરીને પથ્થરમારો કર્યો હતો.
આ હુમલામાં બન્ને યુવકો રક્તરંજિત હાલતમાં ત્યાં જ ફસડાઈ ગયા હતા. જે પૈકી હાર્દિક હોથાનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.જ્યારે મૃતકના મિત્ર યોગેશ ડામોરને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
'એ શ્વાન નહતો, પરિવારનો દીકરો હતો..'- સુરતના બખીયા પરિવારે 11 વર્ષના સાથી 'શેરુ'ને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી
સમાધાન થયું હોવા છતાં આરોપીઓ લાગ જોઈને બેઠા હતા
બીજી તરફ આ બનાવની જાણ થતાં ભીલોડા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક હરિપુરા ગામે દોડી આવ્યો હતો. જ્યાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર છે. આ મામલે થોડા સમય પહેલા જ બન્ને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતુ. આમ છતાં આરોપીઓ મનમાં ખાર રાખીને બેઠા હતા અને બન્ને યુવકોની રેકી કરતા હતા.
જેવા બન્ને યુવકો હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં આવ્યા હોવાની જાણ થઈ, તે સાથે જ આરોપીઓએ તેઓનો પીછો કર્યો હતો અને વરઘોડા વખતે બન્ને યુવકોને એકાંતમાં આંતરીને પથ્થરમારો તેમજ તિક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યા હતા.
હાલ તો પોલીસે 8 ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. આ સાથે જ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
