Modasa Ambulance Fire News: અરવલ્લીના મોડાસા ખાતે રાણા સૈયદ વિસ્તાર પાસે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાની એક પ્રાઇવેટ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતાં તેમાં સવાર એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝ્યા હતા, તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ચારના મોત થયા
મળતી માહિતી પ્રમાણે, મોડાસાની 'રિચ હોસ્પિટલ' ની એમ્બ્યુલન્સમાં એક બાળકને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતા મેડિકલ સ્ટાફ અને દર્દી બાળક સહિત કુલ ચારનાં મોત થયા છે. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો
આગનું કારણ અકબંધ
એમ્બ્યુલન્સમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મોડાસા ટાઉન પોલીસે આ સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી છે.
CCTV ફૂટેજ સામે આવ્યા
એમબ્યુલન્સમાં લાગેલી આગની ઘટનાના CCTV દૃશ્યો પણ સામે આવ્યા છે, જેમાં રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સ અચાનક જ આગની ચપેટમાં આવી જાય છે. થોડી જ સેકન્ડમાં વાહન આગના ગોળામાં ફેરવાઈ જાય છે, જેને કારણે પાછળ બેસેલા લોકો બહાર આવી શક્યા નહોતાં. ફાયર વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધી મોટી જાનહાનિ થઈ ચૂકી હતી. નવજાત બાળક સાથે બે મેડિકલ પ્રોફેશનલ્સનું એકસાથે મોત સમગ્ર વિસ્તારમાં શોક અને સનસનાટી ફેલાવી રહ્યો છે.
