સૌરાષ્ટ્ર-દક્ષિણ બાદ ઉત્તર ગુજરાતમાં ચોમાસાની જમાવટઃ અરવલ્લીમાં સાર્વત્રિક અનરાધાર, 2 ઈંચ વરસાદમાં હિંમતનગર જળબંબાકાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે, જેના કારણે મોડાસા અને હિંમતનગરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Jul 2026 05:28 PM (IST)Updated: Tue, 07 Jul 2026 05:28 PM (IST)
gujarat-monsoon-update-heavy-rain-in-aravalli-mehsana-and-sabarkantha-district

Gujarat Monsoon Update: જૂન મહિનાના અંતથી ગુજરાતમાં ચોમાસાએ ગતિ પકડી છે અને જેમ-જેમ આગળ વધતુ જાય છે, તેમ-તેમ વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે.

છેલ્લા એકાદ સપ્તાહથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. જે પૈકી આજે સૌરાષ્ટ્રમાં એકંદરે આરામ ફરમાવ્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાતને મેઘરાજા રીતસરના ઘમરોળી રહ્યા છે. આ સાથે જ હવે ઉત્તર ગુજરાત પર પણ નજર દોડાવી હોય તેમ આજે 26 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 

 

અરવલ્લીમાં સાર્વત્રિક મેઘમહેર, મોડાસાના સરડોઈ ગામની શેરીઓમાં નદીઓ વહેતી થવા લાગી

આજે વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ધનસુરા, મોડાસા અને માલપુર પંથકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારાથી પરેશાન લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. વાવણી લાયક વરસાદ વરસતા પંથકના ખેડૂતો પણ ખુશહાલ છે.

જો અરવલ્લી જિલ્લામાં વરસાદના આંકડા જોઈએ તો, ધનસુરામાં સૌથી વધુ 2.8 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય મોડાસામાં 2.3 ઈંચ, બાયડમાં સવા 2 ઈંચ, મેઘરજમાં 2.17 ઈંચ, ભિલોડામાં 1.10 ઈંચ, માલપુરમાં 1.02 ઈંચ, શામળાજીમાં 0.98 ઈંચ તેમજ સાઠંબામાં 0.59 ઈંચ વરસાદ નોંધાયો છે.

એકધારા પડી રહેલા ભારે વરસાદના કારણે મોડાસાના સરડોઈ ગામના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ

અરવલ્લી ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં પણ બપોરે 12 વાગ્યા બાદ વરસાદી માહોલ છવાયો છે. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં 73 મિ.મી (2.8 ઈંચ), હિંમતનગરમાં 55 મિ.મી (2.17 ઈંચ), તલોદમાં 54 મિ.મી (2.13 ઈંચ) ઉપરાંત મહેસાણાના વિજાપુર તાલુકામાં 59 મિ.મી (2.3 ઈંચ) જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા છે.


જો સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો મુખ્ય મથક હિંમતનગર ઉપરાંત પ્રાંતિજમાં 2 થી 3 ઈંચ જેટલા વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હિંમતનગરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું હતુ. આ ઉપરાંત અનેક ઠેકાણે ભૂવા પડવાની ફરિયાદો પણ ઉઠી છે.


સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. માત્ર એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું.

હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.