Modasa Bus Accident: મોડાસાના પ્રવાસીઓની બસને શહેરા પાસે અકસ્માત, બ્રેક ફેલ થતાં આઇશર સાથે અથડાતા 13 ઇજાગ્રસ્ત

પ્રવાસ પરથી પરત ફરી રહેલી ખાનગી લક્ઝરી બસને શહેરા નજીક વાઘજીપુર ચોકડી પાસે ભયંકર અકસ્માત નડ્યો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 07 Nov 2025 09:14 AM (IST)Updated: Fri 07 Nov 2025 09:14 AM (IST)
modasa-tourist-bus-accident-after-brake-failure-13-injured-633735
HIGHLIGHTS
  • પ્રારંભિક માહિતી મુજબ, ડ્રાઇવિંગ દરમિયાન અચાનક બસની બ્રેક ફેલ થઈ જતાં આ ગમખ્વાર ઘટના સર્જાઈ હતી.
  • બ્રેક ફેઈલ થવાના કારણે ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

Modasa Bus Accident: મોડાસાના પ્રવાસીઓ માટે તેમનો ઉત્તર ભારતનો પ્રવાસ એક દુઃખદ ઘટના સાથે સમાપ્ત થયો છે. પ્રવાસ પરથી પરત ફરી રહેલી ખાનગી લક્ઝરી બસને શહેરા નજીક વાઘજીપુર ચોકડી પાસે ભયંકર અકસ્માત નડ્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ, ડ્રાઇવિંગ દરમિયાન અચાનક બસની બ્રેક ફેલ થઈ જતાં આ ગમખ્વાર ઘટના સર્જાઈ હતી.

બ્રેક ફેઈલ થવાના કારણે ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે આગળ ચાલી રહેલા આઇસર ટ્રક સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માત સમયે લક્ઝરી બસમાં કુલ 56 જેટલા પ્રવાસીઓ સવાર હતા, જેઓ મોડાસાથી પ્રવાસે ગયા હતા. આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી, પરંતુ બસમાં સવાર ૧૩ જેટલા મુસાફરોને ઓછી-વત્તી ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક શહેરાની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ શહેરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત લક્ઝરી બસ અને ટ્રકને રસ્તા પરથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી, જેથી વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ શકે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે અને બસના માલિક તેમજ ડ્રાઇવર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્રેક ફેલ થવા પાછળનું કારણ શું હતું અને બસની જાળવણી નિયમિત હતી કે કેમ, તેની તપાસ કરવામાં આવશે.