શામળાજી ચેકપોસ્ટ પર મોટી સફળતા: રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી વેન્યૂ કારમાંથી 1 કરોડ 5 લાખ રોકડા ઝડપાયા

પોલીસે કારને રોકીને તેની તલાશી લેતા, કારની અંદરની ગોઠવણ જોઈને શંકા ગઈ હતી. સઘન તલાશી દરમિયાન, કારના આગળના બોનેટમાં કપડાંની થેલીમાં છુપાવેલી મોટી રકમ મળી આવી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 06 Dec 2025 11:20 AM (IST)Updated: Sat 06 Dec 2025 11:20 AM (IST)
shamlaji-checkpost-rs-1-5-crore-cash-seized-from-a-venue-car-entering-gujarat-from-rajasthan-650541

Shamlaji Checkpost: ગુજરાતમાં રાજસ્થાન તરફથી પ્રવેશતા વાહનો પર કડક ચેકિંગ કરી રહેલી શામળાજી પોલીસે આજે અણસોલ ચેકપોસ્ટ પરથી એક મોટી સફળતા મેળવી છે. પોલીસે એક શંકાસ્પદ વેન્યૂ કારમાંથી ₹1 કરોડ અને 5 લાખ રોકડા ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે ડુંગરપુરના એક આરોપીની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શામળાજી પોલીસનો સ્ટાફ અણસોલ ચેકપોસ્ટ પાસે નિયમિતપણે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક વાદળી રંગની શંકાસ્પદ વેન્યૂ કારને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો.

બોનેટમાં કપડાંની થેલીમાં સંતાડી હતી મોટી રકમ

પોલીસે કારને રોકીને તેની તલાશી લેતા, કારની અંદરની ગોઠવણ જોઈને શંકા ગઈ હતી. સઘન તલાશી દરમિયાન, કારના આગળના બોનેટમાં કપડાંની થેલીમાં છુપાવેલી મોટી રકમ મળી આવી હતી. પોલીસ દ્વારા ગણતરી કરવામાં આવતા, આ રોકડ રકમ ₹500ના દરની કુલ 21,000 નોટો હતી, જેની કુલ કિંમત ₹1,05,00,000 (એક કરોડ પાંચ લાખ રૂપિયા) થાય છે.

સંતોષકારક ખુલાસો ન આપી શકતા ધરપકડ

પોલીસે કારમાં સવાર ડુંગરપુરના આરોપીની રોકડ રકમ અંગે સઘન પૂછપરછ કરી હતી. જોકે, આરોપી આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી તે અંગે કોઈ સંતોષકારક પુરાવા કે દસ્તાવેજો રજૂ કરી શક્યો ન હતો.

આથી, શામળાજી પોલીસે તાત્કાલિક ₹1 કરોડ 5 લાખની રોકડ રકમ જપ્ત કરી છે અને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મોટી રોકડ રકમનું મૂળ અને હેતુ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રોકડ હવાલા કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે કે કેમ. આ ઘટનાએ ચેકપોસ્ટ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.