Ankleshwar student raped: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં માનવતા અને શિક્ષણ વ્યવસ્થાને લાંછન લગાવતી એક અત્યંત આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા 63 વર્ષીય શિક્ષકે ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરી છે. આરોપી અભ્યાસ માટે આવતી 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવતો હોવાનું ખુલ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.
‘એક્સ્ટ્રા ક્લાસ’ના બહાને સગીરા બોલાવી કરતો કાળું કૃત્ય
અંકલેશ્વરના એક ગામમાં રહેતો આરોપી છેલ્લા ચાર વર્ષથી પોતાના ઘરે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. વિશ્વાસના આધારે અનેક વાલીઓ પોતાના બાળકોને તેના ઘરે ભણવા મોકલતા હતા. આરોપ છે કે આ શિક્ષક સગીરાને દર રવિવારે ‘એક્સ્ટ્રા ક્લાસ’ના બહાને પોતાના ઘરે એકલી બોલાવતો હતો. ઘરમાં અન્ય કોઈ હાજર ન હોય તેવો મોકો જોઈને તે સગીરા પર દુષ્કર્મ આચરતો હતો.
સગીરા ગર્ભવતી થતા મામલો પ્રકાશમાં આવ્યો
લાંબા સમય સુધી ભય અને શરમના કારણે સગીરા મૌન રહી, પરંતુ સગીરા ગર્ભવતી બનતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સગીરાના પરિવારજનોએ તરત જ પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવતા મામલો ગંભીર બન્યો. ફરિયાદ મળતા જ પોલીસ હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં જ આરોપી શિક્ષકને ઝડપી પાડ્યો.
આરોપી શિક્ષકની ધરપકડ, પોલીસ કાર્યવાહી
પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો (POCSO) એક્ટ તેમજ દુષ્કર્મની કડક કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ કરી રહી છે, જેથી અન્ય કોઈ પીડિત હોવાની શક્યતા હોય તો તેનો પણ ખુલાસો થઈ શકે.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે. વાલીઓમાં પોતાના બાળકોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. ભરૂચ પોલીસે વાલીઓને અપીલ કરી છે કે બાળકો ક્યાં અને કોની પાસે અભ્યાસ કરે છે, તેની સતત નજર રાખવી. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. શિક્ષણના નામે વિશ્વાસનો દુરુપયોગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ પોલીસે આપી છે.
