Bharuch Accident News: ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં દિલ દહેલાવી દે તેવા 9 સેકન્ડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સિફાથી મનુબર ચોકડી તરફ જતા આંતરિક માર્ગ પર પૂરઝડપે આવી રહેલી એક કારે અચાનક એક રાહદારીને ટક્કર મારીને તેને હવામાં ઉછાળ્યો હતો. અકસ્માતની આખી ઘટના નજીકના શોપિંગ કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રાહદારી રસ્તા પર જ ફંગોળાઈને પટકાયો હતો.
રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો
ટક્કર બાદ તરત જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે વેલ્ફેર હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલમાં ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે, અને તબીબી ટીમ તેની હાલત અંગે વધુ તપાસ કરી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, મનુબર ચોકડી વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિકનું પ્રમાણ વધુ રહે છે. મુખ્ય માર્ગ પરની ભીડ ટાળવા માટે ઘણા વાહનચાલકો આ આંતરિક માર્ગોનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલાક બેફામ વાહનચાલકો પૂરઝડપે વાહન હંકારીને જોખમ ઊભું કરે છે. અકસ્માત સર્જનાર કારચાલકે પણ પૂર ઝડપે વાહન હંકારીને કાબૂ ગુમાવ્યો હોવાની શંકા છે.
પોલીસ તપાસ શરૂ
આ ઘટના બાદ સ્થાનિકોએ પોલીસ તંત્રને વહેલી સવારે વ્યસ્ત રહેતા આંતરિક માર્ગો પર ટ્રાફિક જવાનોની વધારાની તૈનાતી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે નિયમિત દેખરેખના અભાવે આવા અકસ્માતો વધી રહ્યા છે. પોલીસે અકસ્માત અંગે કેસ નોંધીને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા કારચાલકની ઓળખ માટે કામગીરી તેજ કરી છે. આ ઘટનાએ વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે અને માર્ગ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
