Bharuch Blast News: ભરૂચના સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલ્યાકર ફાર્મા કંપનીમાં ગત મધરાતે થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, તેની અસર છ કિલોમીટર સુધી અનુભવાઈ હતી. આસપાસની ધરા ધ્રુજી ઉઠી હતી અને નજીકની અન્ય કેમિકલ તથા ફાર્મા કંપનીમાં પણ ભારે નુકસાન થયું હતું.
ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
મળતી માહિતી પ્રમાણે, આ વિસ્ફોટ પછી ફેક્ટરીમાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. આકાશમાં કાળા ડિંબાગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અને આખો વિસ્તાર ધુમ્મસથી ઢંકાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. વડોદરા, અંકલેશ્વર, દહેજ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 8 ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સતત 7 કલાકની ભારે જહેમત બાદ અગ્નિશામક દળોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
3 ના મોત થયા
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 24 જેટલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનેક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જેના કારણે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ શકે છે.
ફાયરે બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો
બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે નજીકની ફેક્ટરીઓની દિવાલો પણ તૂટી પડી હતી અને અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં SDM, મામલતદાર તથા પોલીસ ઇન્સ્પેકટર સહિતનો વહીવટી તંત્રનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આગ અને વિસ્ફોટના ચોક્કસ કારણો હજુ સામે આવ્યા નથી, પરંતુ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે કે રાસાયણિક પદાર્થોની પ્રતિક્રિયા કે પ્રેશર ટેન્કમાં થયેલી ખામીના કારણે આ દુર્ઘટના બની હોઈ શકે છે.
સાયખાના લોકો માટે આ મધરાત એક દહેશતભરી રાત બની રહી, કારણ કે વિસ્ફોટનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને ધરા ધ્રુજી ઉઠી હતી. હાલ તંત્ર દ્વારા તપાસ અને રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે, જ્યારે કંપનીની સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ અંગે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સરપંચનું નિવેદન
આ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે વહીવટી તંત્ર અને GPCB પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે, આ જોખમી કંપની કોઈ પણ જાતની મંજૂરી વગર જ ધમધમી રહી હતી, તેમ છતાં GPCB કે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી.
જીપીસીબી અધિકારીનું નિવેદન
આ તરફ જીપીસીબીના અધિકારી સુનિલ પટેલે જણાવ્યું કે, 'વિસ્ફોટ બાદ તાત્કાલિક ટીમ મોકલી સેમ્પલ લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ કંપનીના રેકોર્ડ અને ઉત્પાદનની વિગતો મેળવીને નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાશે.'
