ભરૂચમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: નેત્રંગમાં સતત મૂશળધાર વરસાદથી જળબંબાકાર, શાળાઓમાં રજા જાહેર

ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નેત્રંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 23 Jul 2026 11:59 AM (IST)Updated: Thu, 23 Jul 2026 11:59 AM (IST)
bharuch-heavy-rain-netrang-flood-red-alert-schools-holiday

Bharuch Rain News: દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી બાદ હવે ભરૂચ જિલ્લા પર પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલે રાત્રિથી જ ભરૂચ શહેર તેમજ સમગ્ર જિલ્લામાં અવિરત મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી વરસાદની તીવ્રતામાં અચાનક ભારે વધારો થતાં ભરૂચ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની નાજુકતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા માટે આગામી ૩ કલાક માટે અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સૌથી વધારે વરસાદ નેત્રંગમાં નોંધાયો છે.

સેવાશ્રમ રોડ સહિતના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા

સતત વરસી રહેલા આ ધોધમાર વરસાદને કારણે ભરૂચનો સૌથી વ્યસ્ત અને મુખ્ય ગણાતો સેવાશ્રમ રોડ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રસ્તાઓએ નદીઓનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. રસ્તાઓ પરથી પસાર થઈ રહેલી અનેક કાર અને મોટરસાયકલોના એન્જિનમાં પાણી ઘૂસી જતાં વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને પોતાના વાહનો ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાની નોબત આવી હતી.

naidunia_image

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળાઓમાં રજા

વરસાદી આફત અને હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લાની અન્ય તમામ શાળાઓને પણ પોતપોતાના વિસ્તારની સ્થાનિક પરિસ્થિતિ અને પાણી ભરાવાની સ્થિતિની સમીક્ષા કરીને સ્વેચ્છાએ અને ત્વરિત રજા અંગે નિર્ણય લેવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

naidunia_image

તંત્ર એલર્ટ મોડ પર: નાગરિકોને ઘરમાં રહેવા અપીલ

હાલ ભરૂચ નગરપાલિકા અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જોકે, ઉપરથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પાણી ઉતરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા પ્રશાસન અને તંત્ર દ્વારા તમામ નાગરિકોને અતિ આવશ્યક કામ સિવાય બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવી છે.

24 કલાકમાં ભરુચ જિલ્લામાં નોંધાયેલા તાલુકાવાર વરસાદના આંકડા નીચે મુજબ છે:

  • નેત્રંગ: 3.78 ઇંચ
  • ઝઘડિયા: 2.48 ઇંચ
  • હાંસોટ: 1.89 ઇંચ
  • વાલિયા: 1.06 ઇંચ
  • અંકલેશ્વર: 0.59 ઇંચ
  • ભરુચ: 0.39 ઇંચ
  • વાગરા: 0.39 ઇંચ
  • જંબુસર: 0.35 ઇંચ
  • આમોદ: 0.24 ઇંચ

સવારે 06:00 થી 08:00 વાગ્યા દરમિયાન ભરુચ જિલ્લામાં નોંધાયેલ વરસાદના આંકડા

  • ભરુચ: 2.28 ઈંચ
  • હાંસોટ:1.65 ઈંચ
  • અંકલેશ્વર:1.61 ઈંચ
  • નેત્રંગ: 1.61 ઈંચ
  • વાગરા:0.98 ઈંચ
  • ઝઘડિયા: 0.98 ઈંચ
  • વાલિયા: 0.71 ઈંચ
  • આમોદ:0.08 ઈંચ