Central Gujarat Rain: મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ગાજવીજ અને ભારે પવન સાથે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મહીસાગર સહિતનાં ખેડા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થતાં વિરામ વગરના વરસાદે સમગ્ર મધ્ય ગુજરાતના જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે.
મહીસાગર અને ખેડામાં ધોધમાર વરસાદ
મહીસાગરના બાલાસિનોરમાં માત્ર બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા. ખેડા જિલ્લામાં કાળાડિબાંગ વાદળો વચ્ચે ધમાકેદાર વરસાદ થયો હતો. નડિયાદમાં અંદાજે 4.7 ઇંચ અને વસોમાં 4.8 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.
નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વહેલી સવારે નોકરી-ધંધે નીકળેલા લોકોને ભારે હાલાકી પડી હતી. માતર તાલુકાના ભલાડા, પરીએજ અને લીંબાસી ગામોના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાવાથી ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

નદીઓમાં પૂર અને નેશનલ હાઈવે બંધ
છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદથી અશ્વિન અને હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. પૂરના પાણી નસવાડી ગામના જલારામ મંદિર વિસ્તારમાં ગળાડૂબ અને જકાતનાકા વિસ્તારમાં ઘૂંટણસમા ભરાઈ જતાં ભારે તારાજી સર્જાઈ હતી. પૂરને કારણે રાજવાસણાનો રબર ડેમ પણ ગરકાવ થયો હતો.
બીજી તરફ, બોડેલીથી નસવાડી જતા નેશનલ હાઈવે-56 પર કુંડિયા ગામ નજીક ચાલુ નિર્માણ કાર્ય અને પાણીના અયોગ્ય નિકાલના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા, જેના લીધે વાહનવ્યવહાર એક કલાક સુધી સ્થગિત કરવો પડ્યો હતો.

ભરૂચ અને નર્મદા જિલ્લાની સ્થિતિ
ભરૂચના કસક સર્કલ, સેવાશ્રમ રોડ અને ફુરજા બંદર જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. ભરૂચના SDM મનીષા મનાણી અને નગરપાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પણ ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

નર્મદાના ડેડીયાપાડામાં પડેલા ભારે વરસાદના કારણે જુના મોજદા નજીકના બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. વાહનચાલકો અને સ્થાનિકોની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ બ્રિજ પરથી અવરજવર હાલ પૂરતી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે.
