Bharuch News: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામોમાં મોટા ભ્રષ્ટાચારનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. વસાવાએ દાવો કર્યો છે કે તેમને એક નામ વગરનો (અનામી) પત્ર મળ્યો છે, જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ સાથે મળીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો ઉલ્લેખ છે.
મનસુખ વસાવાનું સ્ટેટમેન્ટ
સાંસદ વસાવાએ જણાવ્યું કે, ગરુડેશ્વર તાલુકામાં થઈ રહેલા વિકાસ કાર્યોમાં ચૈતર વસાવા સહિતના AAPના નેતાઓએ ભાજપના જ કેટલાક નેતાઓ સાથે મિલીભગત કરીને મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. તેમણે કહ્યું કે, નનામા પત્રમાં ભાજપ અને AAPના મોટા નેતાઓના નામ છે, જેમાં ગરુડેશ્વરના ગભાણામાં રસ્તો બનાવવા માટે એક નેતાએ "તોડપાણી" કર્યાનો ઉલ્લેખ છે.
ગંભીર આક્ષેપ કર્યા
મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે, જિલ્લામાં આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે છતાં અહીંના સ્થાનિક ભાજપના નેતાઓને કેમ ખબર નથી? તેમણે સ્પષ્ટ કહ્યું કે, ચૈતર વસાવા સહિતના AAPના નેતાઓ સરકાર પર આરોપો મૂકે છે, પરંતુ તેમના સિવાય તેમની સામે કોઈ બોલતું નથી.
વસાવાએ આનું કારણ આપતા જણાવ્યું કે, "અમારા ભાજપના જ કેટલાંક નેતાઓ AAPના નેતાઓ સાથે મળેલા હોવાથી તેઓ ચૈતર વસાવા વિરુદ્ધ કે સરકારના બચાવમાં કાંઈ કહી શકતા નથી." આ આક્ષેપોથી નર્મદા જિલ્લાના રાજકારણમાં મોટો ફફડાટ ફેલાયો છે.
