Bharuch: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક એક બોટ દરિયામાં ઊંધી થઈ જવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બોટમાં સવાર 50થી વધુ કામદારો દરિયામાં ખાબક્યા હતા. જે પૈકી બોટના માલિકનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, એક બોટ 50થી વધુ હિન્દી ભાષી કામદારોને લઈને ONGCના ડ્રીલિંગ માટે દરિયામાં ગઈ હતી. આ દરમિયાન જંબુસરના આસરસા ગામ નજીક અચાનક દરિયામાં બોટે જળસમાધિ લઈ લીધી હતી.
બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત ગ્રામજનો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. તેમજ 108 દ્વારા દરિયામાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા કામદારોને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં રોહિત ગણપત મકવાણા નામના બોટના માલિકનું મોત નીપજ્યું છે, જ્યારે એક નરેશ અનોપ રાઠોડ નામનો કામદાર પાણીમાં લાપત્તા થયો હોવાનું સામે આવ્યું છે.
ભરૂચના જંબુસરના આસરસા ગામે શ્રમજીવીઓની બોટ દરિયામાં પલટી જતા દોડધામ
— AIR News Gujarat (@airnews_abad) December 6, 2025
▶️બોટમાં 50 જેટલા કામદારો ONGCના ઓઇલ ડ્રિલિંગ માટે જતા હતા
▶️એક કામદારનું મોત, એક લાપતા#Bharuch @CollectorBharch #Accident #AIRPics : વાહીદ મશહદી pic.twitter.com/UImpr3RCpt
પ્રાથમિક તપાસમાં દરરોજ કામદારોને અસરસાથી સામેના કાંઠે આવેલ ગાંધાર-મુલેર સુધી બોટ દ્વારા લઈ જવામાં આવતા હતા. જો કે કામદારોને લાઈફ જેકેટ આપવામાં ના આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દરિયામાં ભરતી આવતા ઊંચા મોજા ઉછળતા બોટ ઊંધી થઈ ગઈ હતી. હાલ તો દરિયામાં લાપત્તા થયેલા કામદારની શોધખોળ માટે માછીમારો તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
