Bharuch News: અંકલેશ્વર શહેરમાંથી દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો ભાંડાફોડ થતાં ભરૂચ SOG એ મુખ્ય સૂત્રધારને દિલ્હીમાંથી પકડી પાડ્યો છે. અંકલેશ્વરમાં એસઓજીની ટિમ પેટ્રોલિંગ હતી દરમ્યાન સુરેશભાઇને બાતમી મળી હતી કે, જયેશ પ્રજાપતિ નામનો શખ્સ રોયલ એકેડેમી કોમ્પ્યુટર કલાસીસની આડમાં બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાનો ગોરખધંધો ચલાવી રહ્યો છે. જાણકારીના આધારે SOG એ ગત 13 નવેમ્બરે હેપ્પી કોમ્પ્લેક્ષ સ્થિત કલાસીસમાં દરોડો પાડી કૌભાંડનો ભાંડો ફોડ્યો હતો.
દરોડા દરમ્યાન પોલીસે દિલ્હી બોર્ડ, ગાંધીનગર મહાત્મા ગાંધી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, વોકેશનલ ટ્રેનિંગ બોર્ડ, સેકન્ડરી સ્કૂલ પરીક્ષા, પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ, સાયન્સ અને ITI સહિતની કુલ 21 નકલી માર્કશીટ અને પ્રમાણપત્રો જપ્ત કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે જયેશ પ્રજાપતિ દરેક બોગસ માર્કશીટ બનાવવા માટે આશરે ₹15,000 વસુલતો હતો, જેમાંથી ₹7,500 દિલ્હીના એક શખ્સને ઓનલાઈન પેમેન્ટ કરતો હતો. આ શખ્સ બધા નકલી સર્ટિફિકેટ તૈયાર કરતો મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું.
જયેશની ધરપકડ બાદ પોલીસે તેના પાસે રહેલો દિલ્હીના આરોપીનો માત્ર મોબાઈલ નંબર મળી આવતા તપાસ આગળ ધપાવી. પરંતુ ગુનો દાખલ થતાજ મુખ્ય સૂત્રધાર ચંદન પ્રભાકર પાંડે પોતાનો જૂનો મોબાઈલ બંધ કરી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ત્યાર બાદ ભરૂચ SOG ની ટીમ દિલ્હીમાં સઘન તપાસ ચલાવીને અંતે ચંદન પાંડેને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.
પોલીસે ચંદન પાંડે પાસેથી કુલ 42 બોગસ સર્ટિફિકેટ, મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો નકલી સિક્કો, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર કૌભાંડ દેશભરમાં નકલી શૈક્ષણિક પ્રમાણપત્રોના જાળું ફેલાયું હોવાનું જાણવા મળ્યું છે. SOG દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
