Bharuch: ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વચ્ચે ફરી એકવાર પર્યાવરણ સુરક્ષાને લઈને ચિંતા વધારતી ઘટના સામે આવી છે. GIDC વિસ્તરમાં આવેલી કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજ થવાના બનાવે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો હતો. કંપનીમાંથી અચાનક પીળાશ પડતો ગેસ બહાર આવતા કર્મચારીઓ અને નજીકના વિસ્તારોમાં રહેનાર લોકોમાં ગભરાટ છવાઈ ગયો હતો. આંખે દેખાતો પીળો ધુમ્મસ જેમ-જેમ ફેલાતો ગયો તેમ-તેમ કંપની પરિસર અને રસ્તાઓ પર અફરાતફરી સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે ટેન્કરમાં ગેસ લોડિંગની પ્રક્રિયા ચાલી રહી હતી. લોડિંગ દરમ્યાન કોઈ તકનીકી ક્ષતિના કારણે ગેસ લીક થવા લાગ્યો હતો અને થોડા જ ક્ષણોમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. કર્મચારીઓ સુરક્ષિત સ્થળે દોડ્યા હતા, જ્યારે કંપનીમાં એલાર્મ વાગતા સેફ્ટી ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. ટીમે યુદ્ધના ધોરણે નિયંત્રણ કામગીરી શરૂ કરી હતી અને ગેસ લિકેજને રોકવા તકેદારી પગલાં લીધા હતા. ઝડપી પ્રતિસાદના કારણે ગેસનું પ્રસરાવ ઘટાડવામાં સફળતા મળી હતી અને મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે લીક થયેલો ગેસ સોડિયમ નાઇટ્રેટ હતો. રસાયણિક પ્રતિક્રિયા ધરાવતા આ ગેસના સંપર્કમાં માનવીય જીવન સહિત પર્યાવરણને પણ નુકસાન પહોંચાડવાની શકયતાઓ હોવાથી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. સદ્દભાગ્યે આ સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની બાબત કહી શકાય.
આ બનાવ બાદ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ઘટનાસ્થળે તપાસ શરૂ થઈ છે. ગેસ કેવી રીતે લીક થયો, સુરક્ષા પ્રોટોકોલમાં ક્યાં ખામી રહી અને ભવિષ્યમાં આવી પુનરાવર્તન રોકવા શું પગલાં લેવા તે અંગે સંસ્થાઓ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. ઉદ્યોગપ્રધાન અંકલેશ્વર જેમને પ્રદૂષણની સમસ્યા વારંવાર સતાવે છે, ત્યાં આવી ઘટનાઓ લોકોમાં અસુરક્ષા અને ચિંતા વધુ ગાઢ કરી રહી છે. સ્થાનિકો તંત્ર પાસેથી કડક પગલાં અને લાંબા ગાળાની સુરક્ષા ગેરંટીની માંગ કરી રહ્યા છે.
