Bharuch: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામમાં એક પતિએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીની હત્યા કર્યાં બાદ પોતે પણ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સામોજ ગામમાં રહેતા બુધેસંગ પઢિયારનો તેમની પત્ની ગીતાબેન વચ્ચે આજે સવારે ખેતરમાં કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા બુધેસંગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્ની ગીતાબેનની હત્યા કરી નાંખી હતી.
જે બાદ બુધેસંગે ઝેરી દવા પી લીધી હતી. આ બાબતની જાણ થતાં પરિવારજનો તેમજ ગ્રામજનો દોડી આવ્યા હતા અને બુધેસંગને જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જ્યાં હાલત નાજુક જણાતા બુધેસંગને વડોદરા SSG રિફર કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ.
આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી વેડચ પોલીસે ગીતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પુરાવા એકત્ર કર્યાં હતા. હજુ સુધી આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસ દ્વારા પરિવાર અને પાડોશીના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
