Bharuch: અંકલેશ્વર તાલુકા પંચાયત અને પાનેલી પોલીસની સંયુક્ત કાર્યવાહી, દુષ્કર્મી મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું

મૌલવીએ મદરેસામાં આવેલી મહિલાને સુગંધિત પાણી પીવડાવી બેશુદ્ધ કરીને દુષ્કર્મ આચરી ધર્માંતરણ માટે દબાણ કર્યું. મહિલાએ ઈનકાર કરતાં બદનામ કરવાની ધમકી આપી હતી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 04 Dec 2025 05:46 PM (IST)Updated: Thu 04 Dec 2025 05:46 PM (IST)
bharuch-news-rapist-maulvi-illegal-constructions-remove-by-bulldozer-in-ankleshwar-649567
HIGHLIGHTS
  • કરમાલી ગામમાં મૌલવીના મકાન, દુકાન અને મદરેસાનું મંજૂરી વિનાનું બાંધકામ હટાવાયું

Bharuch: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં મહિલા પર દુષ્કર્મ આચરીને તેને ધર્માંતરણ માટે દબાણ કરનાર મૌલવી અઝવદ બેમાતની હાલ પોલીસ પકડમાં છે, ત્યારે હવે વહીવટી તંત્ર દ્વારા તેની મિલ્કતો પર કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી મૌલવીએ કરમાલી ગામમાં પોતાના રહેણાંક મકાન ઉપરાંત દુકાન અને મદરેસામાં મંજૂરી વિના ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધુ હતુ. આ ખુલાસા બાદ તાલુકા પંચાયતના અધિકારીઓ અને પાનોલી પોલીસે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને તમામ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવીને તોડી પાડ્યાં છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે, કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ તેમજ મહિલાઓની સુરક્ષા સાથે ચેડાં કરનારાઓને કડક સજાનો સામનો કરવો પડશે અને તેમને કોઈ રીતે છૂટ આપવામાં નહીં આવે.

શું છે સમગ્ર મામલો?
જણાવી દઈએ કે, ગત 9 નવેમ્બરના રોજ આરોપી મૌલવીએ ભોગ બનનાર મહિલાને મદરેસા સ્થિત પોતાના નિવાસે બોલાવીને સુગંધી પાણી પીવડાવ્યું હતુ. આ પાણી પીતા જ મહિલા બેશુદ્ધ બની જતાં મૌલવીએ એકલતાનો લાભ લઈને તેની પર બે વખત દુષ્કર્મ આચર્યું હતુ. આટલું જ નહીં, મૌલવીએ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતુ. જો કે મહિલાએ ઈન્કાર કરતાં મૌલવીએ તેને બદનામ કરવાની તેમજ તેના બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.