Bharuch GIDC Blast News: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી નાઈટ્રેકસ (Nitreks) કંપનીમાં આજે સવારે ભયાનક બ્લાસ્ટ થતાં આખા ઉદ્યોગ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. કંપનીમાં ચાલી રહેલી રસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક બોલ ડાઈઝેસ્ટર ફાટી નીકળ્યો હતો, જેના કારણે આજુબાજુના શેડ અને પ્લાન્ટ વિસ્તારમાં ધાતુના ટુકડાઓ ઉડ્યા હતા અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
એકનું મોત થયું
આ ભયાનક બ્લાસ્ટના કારણે ઘટના સમયે ડાઈઝેસ્ટર નજીક કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન એક કામદારે દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય એક કર્મચારીની હાલત ગંભીર જણાતાં તેની સઘન સારવાર ચાલી રહી છે. મૃતક કામદારની ઓળખ પ્રસ્થાપિત કરવાની સત્તાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તપાસ અને સુરક્ષા ધોરણો પર સવાલ
આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) વિભાગની ટીમ અને GIDC પોલીસ તાત્કાલિક કંપની ખાતે દોડી આવી હતી. પ્રાથમિક તપાસના આધારે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે રસાયણિક દબાણ અચાનક વધી જવાથી ડાઈઝેસ્ટરમાં આ બ્લાસ્ટ સર્જાયો હતો, પરંતુ બ્લાસ્ટના ચોક્કસ કારણો અંગે DISH વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટના બાદ કંપનીની કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. ઉદ્યોગ વિસ્તારમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ફરી બનતા, ઔદ્યોગિક સુરક્ષા ધોરણો અને સેફટી મોનીટરીંગ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક ઉદ્યોગકારોએ પણ સેફટી મોનીટરીંગ વધુ મજબૂત કરવાની માંગ કરી છે.
પોલીસે તપાસ શરુ કરી
પોલીસ અને DISH વિભાગે બ્લાસ્ટના કારણો જાણવા માટે કંપનીના સીસીટીવી ફૂટેજ, વપરાયેલી મશીનરી અને પ્લાન્ટના તમામ દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે, જેથી બેદરકારી સામે જવાબદારી નક્કી કરીને કાયદેસરના પગલાં લઈ શકાય.
