Gujarat Unseasonal Rain Alert: આજે 20 ફેબ્રુઆરી, શુક્રવારની સવાર ગુજરાતભરના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર લઈને આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આજે વહેલી સવારથી સુરત, અંકલેશ્વર, હાંસોટ, ગોધરા, પંચમહાલ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો
આજે રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગતરોજ પણ વલસાડ જિલ્લાનું વાતાવરણ ધુમ્મસભર્યું રહ્યું હતું. ત્યારે આજે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. છોટાઉદેપુર, સંખેડા, સુરત, અંકલેશ્વર અને હાંસોટ તાલુકા તથા વડોદરા શહેરમાં કમોસમી વરસાદ નોંધાયો છે.
સંખેડા પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પંથકના વાતાવરણમાં પણ અચાનક પલટો નોંધાયો હતો. વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. કપાસની ખેતી કરતા ખેડૂતો માટે આ કમોસમી વરસાદ ચિંતાના વાદળ લઈને આવ્યો છે. માવઠાના કારણે ખેતીના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં માવઠું
બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પણ કમોસમી માવઠા થયા હતા. સવારથી વાતાવરણમાં પલટો આવતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાંસોટ તાલુકાના ઈલાવ, સાહોલ, બાલોતા, સુણેવ અને ઓભા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. વડોદરાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. શહેરના ઘણા વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા.
સુરત શહેર અને જિલ્લામાં ઝાપટા
સુરત શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો, જેની સીધી અસર જાહેર જીવન પર થઈ હતી. હાલ લગ્નની સીઝન ચાલુ હોવાથી અનેક ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં મંડપ બાંધેલા છે. વરસાદી ઝાપડા પડતા અનેક લગ્નના મંડપ પલળી ગયા હતા. માવઠા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, અને તીવ્ર ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષા, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી; દિલ્હીની સ્થિતિ જાણો
એક સાથે ત્રણ ઋતુનો અનુભવ
હાલ, ફેબ્રુઆરી માસમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે, અને ધીરે ધીરે ગરમી શરૂ થઈ રહી છે. અનેક શહેરોમાં તાપમાનમાં ફેરફાર આવ્યા બાદ જાણ ઉનાળાની શરૂઆત હોય તેમ લાગી રહ્યું છે. લોકો સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવી રહ્યા હતા. હવે હાલમાં જ થયેલા આ માવઠાને કારણે લોકો એક સાથે ત્રણ ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
ત્રણ સિસ્ટમ સક્રિય-હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય છે. આ સ્થિતિના આધારે હવામાન વિભાગ કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી કેટલાક દિવસોમાં આશરે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગાહી માટે નવી મલ્ટી હેઝર્ડ અર્લી વોર્નિંગ ડિસિઝન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
