Bharuch Lok Sabha Seat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ જોવા મળી રહી છે, ત્યારે ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં રાજકારણ ગરમાયું છે.
હવે ભાજપે યુવાનોને તક આપવી જોઈએ
2029માં લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં મનસુખ વસાવાએ જણાવ્યું કે, મને ભાજપે ઘણું બધુ આપ્યું છે. જો કે હવે પાર્ટીએ નવા યુવાનોને તક આપવી જોઈએ. ભાજપ મારા બાદ અન્ય યુવા કાર્યકરોને તૈયાર કરે.
આ પણ વાંચો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે: મનસુખ વસાવા
થોડા દિવસ પૂર્વે જ મનસુખ વસાવાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપના માપદંડો પર સવાલ ઉઠાવ્યા હતા. હકીકતમાં ભાજપ દ્વારા આ ચૂંટણીમાં જે ઉમેદવારોની વય 60 વર્ષથી ઓછી હોય તેમજ ત્રણ ટર્મ પૂરી કરી લેનારા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ નિર્ણય પર સવાલ ઉઠાવતા મનસુખ વસાવાએ જણાવ્યું કે, જે લોકોએ પાર્ટી માટે લોહી-પરસેવો પાડ્યો હોય, તેમને જ્યારે નેતૃત્વ આપવાનો સમય આવ્યો ત્યારે નિયમો આગળ ધરીને તેમને ટિકિટ નથી આપવામાં આવતી. જેના કારણે કાર્યકર્તાઓનું મનોબળ તૂટી ગયું છે.
ભાજપનો આ નિયમ તેને જ નુકસાન પહોંચાડશે અને ભાજપ જ ભાજપને હરાવી શકે છે. આ સાથે જ તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે, અમે આમ આદામી પાર્ટી કે કોંગ્રેસથી ડરતા નથી. તેમણે માત્ર પાર્ટીના કાર્યકર્તાઓથી વ્યથાને વાચા આપી છે.
જણાવી દઈએ કે, ભરૂચ સહિત આસપાસના આદિવાસી પટ્ટામાં મનસુખ વસાવાનું સારું એવું પ્રભુત્વ છે. 1995માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા બાદ કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. જે બાદ 1998માં તેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા. તેઓ સતત 7 ટર્મથી ભરૂચ લોકસભા બેઠકથી સાંસદ છે.
