Bharuch Rainfall: હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને સુરત સહિત રાજ્યના 8 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વહેલી સવારથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જે પૈકી ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
નેત્રંગમાં આભ ફાટ્યું
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીના આંકડા અનુસાર, ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો 268 મી.મી (10.55 ઈંચ) વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે.
ખાસ કરીને બપોરે 2 થી 4 વાગ્યાના માત્ર બે કલાકના સમયગાળામાં જ અહીં 113 મી.મી (4.45 ઈંચ) વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો. આ અગાઉ સવારના 8:00 થી 10:00 વાગ્યા દરમિયાન પણ નેત્રંગમાં 70 મી.મી વરસાદ નોંધાયો હતો. આમ, 10 કલાકમાં જ નેત્રંગમાં 10.55 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં પણ મેઘમહેર
નેત્રંગ ઉપરાંત ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં પણ સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ભરૂચ તાલુકામાં કુલ 117 મી.મી વરસાદ નોંધાયો છે, જ્યારે અંકલેશ્વરમાં 116 મી.મી વરસાદ નોંધાયો છે. આ બંને તાલુકાઓમાં પણ બપોરના 2:00 થી 4:00 વાગ્યાના ગાળામાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી હતી.
ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓની સ્થિતિ જોઈએ તો, હાંસોટમાં 82 મી.મી., વાલિયામાં 78 મિ.મી, ઝઘડિયામાં 71 મિ.મી, વાગરામાં 50 મિ.મી, આમોદમાં 30 મિ.મી, જંબુસરમાં 27 મી.મી વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લામાં નોંધાયેલા આ સાર્વત્રિક અને ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા પણ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
