Heart transport via Vande Bharat train: આધુનિક ટેકનોલોજી અને તબીબી વિજ્ઞાનના સમન્વયથી ફરી એકવાર ગુજરાતમાં એક જરૂરિયાતમંદને નવજીવન મળવા જઈ રહ્યું છે. અંકલેશ્વરથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી દાતાના હૃદયને સમયસર પહોંચાડવા માટે દેશની સૌથી ઝડપી ટ્રેન પૈકીની એક એવી વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર રેલવે સ્ટેશન પર રચાયો ઈતિહાસ
આ ખાસ તબીબી ઈમરજન્સી માટે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસને રોકવામાં આવી હતી. અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી હૃદયનું રિટ્રીવલ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલથી રેલવે સ્ટેશન સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો, જેના દ્વારા હૃદયને ગણતરીની મિનિટોમાં સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યું હતું.

વંદે ભારતની તેજ ગતિ આશીર્વાદરૂપ સાબિત
અંગદાનમાં મળેલા હૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેનો સમય અત્યંત મર્યાદિત અને મહત્વનો હોય છે. હૃદયને ગણતરીના કલાકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરવું આવશ્યક હોવાથી ઝડપી અને સમયબદ્ધ પરિવહન અનિવાર્ય છે. વંદે ભારતની તેજ ગતિ જીવન બચાવવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી વખત છે જ્યારે હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલ લાવવા માટે વંદે ભારત ટ્રેનનો સહારો લેવાયો હોય.
અમદાવાદની યુએન મહેતામાં 78મું ટ્રાન્સપ્લાન્ટ
અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલની ટીમ દ્વારા આ હૃદયને ટ્રેન મારફતે સુરક્ષિત રીતે લાવવામાં આવી રહ્યું છે. આ હૃદયને હોસ્પિટલમાં દાખલ પ્રતીક્ષા કરી રહેલા દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. જો આ પ્રક્રિયા સફળ રહેશે તો યુ.એન. મહેતા હોસ્પિટલનું આ 78 મું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ બનશે.
અગાઉ વંદે ભારત ટ્રેન મારફતે સુરતથી અમદાવાદ હૃદય લાવવામાં આવ્યું હતું. આમ, વંદે ભારત ટ્રેન માત્ર મુસાફરી માટે જ નહીં, પરંતુ કટોકટીના સમયે જીવનરક્ષક લાઈફલાઈન તરીકે પણ ઉભરી રહી છે, જેની મદદથી ગુજરાતમાં ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
