Bhavnagar: બગદાણામાં કોળી યુવકના હુમલા કેસમાં જેલની હવા ખાઈને બહાર આવેલા જયરાજ આહીરની પ્રથમ પોસ્ટ સામે આવી છે. જેમાં જયરાજ આહીરે ગીતાનો શ્લોક ટાંક્યો છે.
લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પોતાની એક તસવીર મૂકી છે. જેના કેપ્શનમાં ગીતાનો જાણીતો શ્લોક 'પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે-યુગે' લખ્યો છે.આ તસવીરની કોમેન્ટ સેક્શનમાં કેટલાક યુઝર્સ દ્વારા "જય દ્વારકાધીશ'ની કૉમેન્ટ કરવામાં આવી છે.
જયરાજ આહીર હાથમાં ભગવદ્દ ગીતા સાથે જેલની બહાર આવ્યો
બગાદાણા આશ્રમના સેવક એવા કોળી યુવક નવનીત બાલધિયા પર હીચકારો હુમલો કરવાના આરોપ હેઠળ SIT દ્વારા જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવીને ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ મહુવા કોર્ટે જામીન મંજૂર કરતાં 14 દિવસે જયરાજ આહીર જેલમાંથી બહાર આવ્યો હતો. આ સમયે જણ જયરાજના હાથમાં ભગવદ્દ ગીતા જોવા મળી હતી. જ્યારે કારમાં બેસી રવાના થતી વખતે પણ જયરાજ આહીરે લોકોને ગીતા દેખાડી હતી.
જિગ્નેશ કવિરાજ સાથે જયરાજ આહીરે ગરબાની રમઝટ બોલાવી
ગુજરાતના જાણીતા ગાયક જિગ્નેશ કવિરાજે ભાવનગરના તળાજા તાલુકાના બોરડા ગામના એક લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલા રાસ-ગરબાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. જેમાં જિગ્નેશ કવિરાજની સાથે-સાથે જયરાજ આહીર પણ ગરબાની રમઝટ બોલાવતા જોવા મળી રહ્યા છે.
માયાભાઈ આહીરની ટિપ્પણીથી મામલો ગરમાયો
ગત વર્ષે 24 ડિસેમ્બરના રોજ માયાભાઈ આહીરે મુંબઈમાં એક કાર્યક્રમમાં બગદાણા આશ્રમના ટ્રસ્ટી તરીકે ખોટું નામ આપ્યું હતુ. જેને લઈને બગદાણા આશ્રમના સેવક કોળી યુવક નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરી સ્પષ્ટતા કરવા જણાવ્યું હતુ. જે બાદ માયાભાઈ આહીરે વીડિયો મૂકીને પોતાની ભૂલ સ્વીકારીને સ્પષ્ટતા કરી હતી.
જે બાદ 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલધિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. પોતાના પર હુમલો થવા પાછળ નવનીત બાલધિયાએ માયાભાઈ આહીરના પુત્રની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો.
