UpdatedIST

Jayraj Ahir Bail: જયરાજ આહિર સહિત 6 લોકોના જામીન મંજૂર થયા; 14 દિવસના જેલવાસ બાદ મહુવા કોર્ટે આપી રાહત

જયરાજ આહિર સહિત 6 લોકો અંદાજે 14 દિવસથી જેલમાં બંધ હતા. કોર્ટ દ્વારા જામીન મળતા જ હવે જેલ પ્રક્રિયા પૂર્ણ કરીને તમામ આરોપીઓ આજે જેલની બહાર આવશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 07 Feb 2026 12:03 PM (IST)Updated: Sat 07 Feb 2026 12:03 PM (IST)
baghdana-controversy-bail-granted-to-6-people-including-jayraj-ahir-mahuva-court-grants-relief-after-14-days-in-jail-687499

Jayraj Ahir Bail News: બગદાણામાં બનેલી હિંસક ઘટના અને નવનીત બાલધિયા પર થયેલા કથિત હુમલાના પ્રકરણમાં છેલ્લા બે અઠવાડિયાથી જેલવાસ ભોગવી રહેલા જયરાજ આહિર અને અન્ય પાંચ આરોપીઓને આજે ન્યાયિક પ્રક્રિયાના અંતે મોટી રાહત મળી છે. મહુવાની કોર્ટે બંને પક્ષોની દલીલો અને પોલીસ તપાસના એફિડેવિટને ગ્રાહ્ય રાખી તમામ ૬ આરોપીઓના શરતી જામીન મંજૂર કરવાનો આદેશ આપ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

બગદાણામાં સામાજિક કે અંગત અદાવતમાં નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી. તપાસના આધારે જયરાજ આહિર સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

કોર્ટમાં ચાલેલી કાર્યવાહી

ગઈકાલે મહુવા કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરવાની હતી, પરંતુ SIT દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટ (સોગંદનામું) બાદ સુનાવણી એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. આજે ફરીથી હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં બચાવ પક્ષ અને સરકારી વકીલ વચ્ચે તીખી દલીલો થઈ હતી. અંતે, કોર્ટે જયરાજ આહિર, નાજુ કામળિયા, કાના કામળિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકી સહિતના તમામ ૬ આરોપીઓને જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો.

14 દિવસ બાદ જેલમુક્તિ

જયરાજ આહિર સહિત 6 લોકો અંદાજે 14 દિવસથી જેલમાં બંધ હતા. કોર્ટ દ્વારા જામીન મળતા જ હવે જેલ પ્રક્રિયા પૂર્ણ કરીને તમામ આરોપીઓ આજે જેલની બહાર આવશે. જોકે, કોર્ટે કેટલાક કડક શરતો સાથે જામીન આપ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાં તપાસમાં સહકાર આપવો અને પુરાવાઓ સાથે છેડછાડ ન કરવી જેવી શરતોનો સમાવેશ થાય છે. બગદાણા હુમલા કેસમાં જામીન મળતા જ જયરાજ આહિરના સમર્થકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે, જ્યારે બીજી તરફ SIT આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી ભવિષ્યમાં આ કેસની ટ્રાયલ વખતે મજબૂત પુરાવા રજૂ કરી શકાય.